ગુજરાત

કેનેડાના રસ્તા પર ફરી રહી છે સુરત પાર્સિંગ GJ 5 ની કાર, અંકુર ગાંધીએ નંબર પ્લેટના આપ્યા આટલા ડોલર…

કેનેડામાં રસ્તા પર સુરત પાસિંગની ફરતી કાર જોઈને સુરતીઓમાં પણ અચરજ ફેલાયું છે. આ કાર સુરતના અંકુર ગાંધીની છે. અંકુર 2014માં ફેમિલી સાથે કેનેડા શિફ્ટ થઈ ગયા હતા. તેઓ હાલ ઓન્ટારિયો પ્રાંતના બ્રામ્પ્ટન સિટીમાં રહે છે. તેમની કારનો નંબર હાલ સોશિયલ મીડિયા પર આકર્ષણ જમાવી રહ્યો છે. તેમની કારનો નંબર છે GJ 5 V 9196. આ નંબર મેળવવા માટે તેમણે 300 કેનેડિયન ડોલરનું પ્રિમિયમ ચૂકવ્યું છે. તેમનું કહેવું છે કે સુરત અને ગુજરાત પ્રત્યેના લગાવને કારણે તેમણે આ કામ કર્યું છે.

સુરતના અંકુર ગાંધી કેનેડામાં જે જગ્યાએ રહે છે ત્યાં ગુજરાતીઓની સારી એવી વસ્તી છે. તેમની કારને જોઈ ગુજરાતીઓની ખુશીનો પાર નથી. સુરતના ગાંધી પરિવાર માટે 9196 નંબર એટલો લકી છે કે તેમણે કેનેડા શિફ્ટ થયા બાદ પણ તેની સાથેનું કનેક્શન જાળવી રાખ્યું છે. અંકુરે કેનેડામાં જે કાર ખરીદી તેનો નંબર તો 9196 છે. માંડવી નગરનો મોઢ ઘાંચી પરિવાર ઘણા વર્ષોથી કેનેડા ખાતે સ્થાયી થયો છે. આ પરિવારનો દીકરો અંકુર ગાંધી પણ ત્યાં જ રહે છે. કેનેડામાં સેટલ થયા બાદ પણ અંકુર ગાંધી પોતાની પરિવારની પરંપરા અને પોતાના વતનના ઉપકારને ભૂલવા માંગતો નથી. આ જ કારણ છે કે તેમણે પોતાની કારનો GJ 5 V 9196 નંબર લીધો છે.

અંકુર ગાંધીએ સુરત પાસિંગ નંબર સાથે જે નંબર લીધો છે તે 9196નો પણ લાંબો ઇતિહાસ છે. માંડવીમાં રહેતા તેમના પિતાએ 19 નવેમ્બર 1980ના રોજ એક રાજદૂત મોટરસાયકલની ખરીદી કરી હતી. તેનો રજિસ્ટ્રેશન નંબર 9196 હતો. બસ ત્યારથી જ તેમની ફેમિલીમાં જેટલા પણ વાહનો ખરીદવામાં આવ્યા છે તે બધાનો નંબર 9196 જ રાખવામાં આવ્યો છે. તેની સાથે તેમની આખી ફેમિલીના દરેક મેમ્બરના મોબાઈલ નંબરના છેલ્લા ચાર ડિજિટ પણ 9196 જ છે. અંકુરના એક પિતરાઈ ભાઈ અમેરિકામાં રહે છે તેમની કારનો નંબર પણ 9196 જ છે. અંકુરના પિતા સુરતમાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા હતા તેમના ટ્રકનો નંબર પણ 9196 જ હતો. આમ આ નંબર ફેમિલી માટે લકી માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *