ગુજરાતને દેવી દેવતાઓને ધરતી કહેવામાં આવે છે. ગુજરાતમાં ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે. જ્યારે પણ લોકોને કોઈપણ મુશ્કેલીઓ આવે છે ત્યારે તેઓ દેવી દેવતાઓને યાદ કરે છે અને દેવીમાં તેમની તકલીફો દૂર કરવા માટે આવી જાય છે. આપણે સૌ ખોડિયાર માતાજી ને પ્રાર્થના કરી એમના આશીર્વાદ લઈ માં ખોડિયાર ના જન્મદિવસને વધાવી લઈએ. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું.
તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. તેમનો જન્મ આશરે સાત મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો. જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. તેમનું પ્રિય વાહન મગર છે.
ખોડલ માતાનું સાચું નામ જાનબાઈ હતું અને તેમની અન્ય છ બહેનો પણ હતી. તેમના નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઈ, હોલાઈ અને સોસાઈ હતા અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. જાનબાઈ ના માતાનું નામ દેવળબા અને પિતાનું નામ મામળીયા હતું.
એક દિવસ મામળિયા શંકર ભગવાનની ભક્તિ કરવા નીકળી ગયા. તેમની ભક્તિ થી પ્રસન્ન થઈ ભગવાન શંકરે વરદાન આપ્યું કે પાતાળ લોકના નાગ દેવતાની સાત પુત્રીઓ અને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે. એક દંતકથા મુજબ દેવળબા એ મહાસુદ આઠમના દિવસે આઠ પાલના મુક્યા જે સાત પુત્રીઓ અને એક પુત્રથી ભરાઈ ગયા હતા.
દંતકથા અનુસાર માં ખોડલના ભાઈને ઝેરી સાંપે ડંખ માર્યો હતો. ત્યારે કોઈએ ઉપાય આપ્યો કે પાતાળ લોકો માંથી અમૃત કુંભ લઈને આવો તો જીવ બચી જશે. જાનબાઈ માતાની આજ્ઞા થી કુંભ લેવા ગયા. જાનબાઈ ને કુંભ લઈને આવતા આવતા તેમની માતા દેવળબા થી બોલઈ ગયું કે જાનબાઈ ખોડાયી તો નથી ગયા ને. ત્યાં જ જાનબાઈ આવ્યા અને તેમનો પગ ખોડાયી ગયો ત્યાર થી તેમનું નામ ખોડીયાળ પડી ગયું.
શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાં રાવળ, આહિર, લેઉવા પટેલ, ભોઈ, ગોહિલ, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન અને રબારી તળપદા કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે.