સ્પોર્ટ્સ

વન-ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે, ગુજરાતનાં આ જિલ્લામાં રમાશે ફાઈનલ..

ICC વન-ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, 19 નવેમ્બર સુધી ચાલશે. ESPN CRICINFOએ આ અંગે જાણકારી આપી છે. જોકે ICC તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ વખતનો વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. સ્પોર્ટ્સ વેબસાઇટ ESPN CRICINFO મુજબ, 19 નવેમ્બર ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદ ઉપરાંત બેંગલુરુ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈમાં આ વન-ડે વર્લ્ડ કપ રમાશે. ટૂર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત 48 મેચ રમાશે.

બે મુખ્ય મુદ્દાને લીધે ICC જાહેરાત નથી કરતું
સામાન્ય રીતે ICC ઓછામાં ઓછા એક વર્ષ અગાઉ વર્લ્ડ કપના સમયની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે તે BCCIને ભારત સરકાર તરફથી જરૂરી મંજૂરી મેળવવાની રાહ જોઈ રહ્યું છે. આમાં બે મુખ્ય મુદ્દાનો સમાવેશ થાય છે, ટૂર્નામેન્ટ માટે ટેક્સમાંથી મુક્તિ મેળવવી, બીજું, પાકિસ્તાન ટીમ માટે વિઝા ક્લિયરન્સ; જે 2013ની શરૂઆતથી ICC ઇવેન્ટ સિવાય ભારતમાં રમી નથી.

ગયા સપ્તાહમાં દુબઈમાં યોજાયેલી ICCની ત્રિમાસિક બેઠકોમાં BCCIએ ICCને ખાતરી આપી હોવાનું જાણવા મળે છે કે પાકિસ્તાનની ટીમ માટે વિઝા ભારત સરકાર મંજૂર કરી દેશે.

ગુજરાત રાજ્યનાં બે શહેર શોર્ટલિસ્ટેડ
ESPN CRICINFOએ આપેલી રિપોર્ટ મુજબ, વન-ડે વર્લ્ડ કપ માટે જે 12 શહેર શોર્ટલિસ્ટેડ કરવામાં આવ્યાં છે એમાંથી બે શહેર ગુજરાતનાં છે, જેમાં અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થાય છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની 1,32,000 જેટલી પ્રેક્ષકોની બેઠક ક્ષમતા છે, જ્યારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમની બેઠક ક્ષમતા 28,000ની આસપાસ છે. એમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાઈ શકે છે.

માર્ચ એન્ડિંગમાં IPLની દે ધનાધન ક્રિકેટની ફટકાબાજી, ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપનો રોમાંચ
આવતી 31મી માર્ચે અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત થઈ રહી છે. ત્યારે બીજી તરફ આગામી એક દિવસીય આંતરારાષ્ટીય મેચ (ODI)નો વર્લ્ડ કપનો રોમાંચ પણ ગુજરાતી ક્રિકેટપ્રેમીઓને માણવા મળશે. મળતી માહિતી મુજબ, વર્લ્ડ કપની અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે.

દોઢ મહિના સુધી વર્લ્ડ કપ ફીવર છવાશે
દોઢ મહિના સુધી દેશનાં વિવિધ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની 48 મેચ રમાશે. ઓક્ટોબરથી નવેમ્બરના 46 દિવસ ચાલનારા ક્રિકેટના મહાકુંભમાં 10 ટીમ વચ્ચે 3 પ્લેઓફ સહિત કુલ 48 મેચમાં ટક્કર થશે, જેમાં ગુજરાતનાં બે સ્ટેડિયમને મેચ ફાળવાય એવી સંભવના છે. એમાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને રાજકોટનું ખંઢેરી સ્ટેડિયમ સમાવિષ્ઠ છે. અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાડવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે, જ્યારે રાજકોટના ફાળે ઓછામાં ઓછી એક મેચ તો આવી શકે છે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

દેશનાં કયાં કયાં સ્થળોએ મેચ રમાશે
અમદાવાદ અને રાજકોટ સિવાય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શોર્ટલિસ્ટ કરેલાં અન્ય સ્થળોમાં બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર અને મુંબઈનો સમાવેશ થાય છે. તમામ ટૂર્નામેન્ટમાં 46 દિવસના સમયગાળામાં ત્રણ નોકઆઉટ સહિત 48 મેચનો સમાવેશ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *