ક્રિકેટ રમતા લોકો પર કાળ મંડરાઇ રહ્યો હોય તેમ રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતાં રમતાં હાર્ટએટેક આવતાં મોત નીપજ્યું છે. શહેરના શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયૂરભાઈ નટવરભાઈ મકવાણા (ઉં.વ.45)ને અચાનક હાર્ટએટેક આવતાં ઢળી પડ્યા હતા. સાથી મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યાં હતાં. મયૂરભાઈના મોતથી હોસ્પિટલમાં પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડતો નજરે પડ્યો હતો.
મયૂરભાઈ સવારે મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા
મયૂરભાઈ આજે રવિવારની રજા હોવાથી મિત્રો સાથે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયા હતા. જોકે ક્રિકેટ રમતાં રમતાં હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. આથી સાથી મિત્રો તેને બચાવવા દોડ્યા હતા. બાદમાં તેને સારવાર માટે તુરંત જ હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ અહીં મયૂરભાઈનો મૃતદેહ જ પહોંચ્યો હતો.
ગભરામણ થતાં મારો ભાણેજ સ્કૂટર પર બેસી ગયો
શાંતિભાઈ પરમારે જણાવ્યું હતું કે, મયૂર મારો ભાણેજ થતો હતો. રેગ્યુલર ક્રિકેટ મેચ રમવા જતો હતો. તેને કોઈ જાતની બીમારી કે વ્યસન નહોતું. આજે ક્રિકેટ રમતાં રમતાં તેને થોડી ગભરામણ થઈ પણ કોઈને કહ્યું નહીં. તે સ્કૂટર પર બેસી ગયો હતો. બાદમાં અચાનક ઢળી પડ્યો હતો. તેના મિત્રો દોડી આવ્યા અને 108ને જાણ કરી હતી.
મયૂર બે ભાઈમાં મોટો હતો
શાંતિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 108 મારફત પહેલાં મયૂરને ગિરિરાજ હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ ત્યાંથી મયૂરને સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. આથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ અહીં પહોંચતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. મયૂરના પરિવારમાં તેની પત્ની, એક દીકરો અને એક દીકરી છે. મયૂર બે ભાઈમાં મોટો હતો. મયૂરના પિતા ગુજરી ગયાને પણ 42 વર્ષ થયાં છે. મયૂર સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
એક મહિના પહેલાં 31 વર્ષના યુવાનનું મોત થયું હતું
એક મહિના પહેલાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટ ચાલી રહી હતી. જેમાં જીજ્ઞેશ ચૌહાણ (ઉં.વ.31)એ પણ ભાગ લીધો હતો. ટીમ વતી તેણે 30 રનની ઇનિંગ રમી હતી. બાદમાં આઉટ થઈને તે ખુરશી પર બેઠો હતો. ત્યારે જ અચાનક એકસાથે ત્રણ એટેક આવતા તે ખુરશી પરથી ઢળી પડ્યો હતો. બાદમાં ટીમના ખેલાડીઓ હાંફળા ફાંફળા થઈ ગયા હતા અને તેને બચાવવા દોડ્યા હતા. જીજ્ઞેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
34 દિવસ પહેલાં ક્રિકેટ રમતા યુવાનનું મોત થયું હતું
34 દિવસ પહેલાં ડીસાથી ભાણેજના લગ્નપ્રસંગમાં બહેનના ઘરે આવેલો ભાઈ ભરત બારૈયા ક્રિકેટ રમી બહેનના ઘરે પરત જતો હતો. ત્યારે બહેનના ઘરે પહોંચે એ પહેલાં જ રસ્તામાં ભરતને હાર્ટ-એટેક આવી ગયો હતો અને મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પતિના મોતથી પત્નીએ આક્રંદ કર્યું હતું અને એટલું જ બોલી શકી કે, મારે ધણી વગર નથી જીવવું.
50 દિવસ પહેલાં 2 યુવાનોએ જિંદગી ગુમાવી હતી
50 દિવસ પૂર્વે ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતો રવિ ગાવડે નામનો યુવક સવારે તેના મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો અને સ્થાનિક ટીમ સાથે ટેનિસ બોલથી ક્રિકેટની મેચ રાખી હતી, રવિ બેટિંગમાં આવ્યો ત્યારે તેને ટેનિસનો બોલ લાગતાં તે ઇન્જર્ડ થયો હતો અને શ્વાસ ચડવા લાગતાં તેણે રનર રાખ્યો હતો, ઇજા થવા છતાં બેટિંગ કરીને 22 રન બનાવી તે આઉટ થયો હતો, આઉટ થતાં જ પોતાની ટીમના અન્ય સભ્યો સાથે બેઠો હતો. પરંતુ તેને છાતીમાં સહેજ દુખાવો ઊપડતાં તે બાજુમાં પાર્ક કરેલી પોતાની કારમાં જઈને બેઠો હતો અને મેચ જોતો હતો, અચાનક જ રવિ કારમાંથી નીચે ફંગોળાયો હતો અને બેભાન થઇ ગયો હતો. આ દૃશ્ય જોઇ તેના મિત્રો મેચ અટકાવી તેની પાસે દોડી ગયા હતા અને છાતીમાં પમ્પિંગ શરૂ કરી તેને કારમાં જ હોસ્પિટલે લઇ ગયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.
મારવાડી કોલેજમાં ફૂટબોલ રમતા વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત થયું હતું
બીજી ઘટનામાં મૂળ ઓડિશાના વતની અને રાજકોટની મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિવેકકુમાર ભાસ્કર નામનો વિદ્યાર્થી સાંજે 7:30 કલાકે મારવાડી કોલેજના કેમ્પસમાં ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતો હતો. ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં સારવાર મળે એ પૂર્વે જ તેનું મોત થયું હતું. તબીબોએ વિવેકકુમારનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાનું જણાવ્યું હતું. મૃતક વિવેકકુમાર બે ભાઈમાં મોટો હતો, તેના પિતા નિવૃત્ત આર્મીમેન છે અને ગાંધીધામની એક કંપનીમાં નોકરી કરે છે. આ બનાવની જાણ થતાં તેઓ રાજકોટ દોડી આવ્યા હતા.