ગુજરાત

બૂટલેગરોનો નવો કીમિયો જોઈ પોલીસ પણ ગોથે ચડી, બાઈકનો કોઈપણ ભાગ ખોલો, દારૂ મળી જશે, juo

વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે અને પોલીસની બાજનજરથી બચવા માટે બૂટલેગરો કાયમી અવનવા કીમિયા અપનાવતા હોય છે. જોકે પોલીસ પણ બૂટલેગરોના નવા કીમિયાઓનો પર્દાફાશ કરવા કાયમી કટિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે. જ્યાં અગાઉ થોડા દિવસ પહેલાં એસ.ટી બસમાં ડ્રાઈવર-કંડક્ટરે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યાં આજે ઉનાથી એક નવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બૂટલેગરોએ પહેલાં તો પોલીસને ગોથે ચડાવા એવી જગ્યાએ ચોરખાનું બનાવ્યું. જ્યાં કોઈની નજર પણ ના જાય. પોલીસે પણ બૂટલેગરોના કીમિયાને પકડી પાડી જોયું તો બાઈકનો જે ભાગ ખોલો દારૂની બોટલો જ મળે. તો આવો… જાણીએ કે બૂટલેગરે પોલીસને ચકમો આપવા કેવી ટેક્નિક વાપરી…

બાઈકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી બૂટલેગરો દારૂની હેરાફેરી કરવા અવનવા કીમિયો અજમાવતા હોય છે અને એ દારૂને ગુજરાતમાં ઘુસાડી હેરાફેરી કરતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. જેમાં આજે ત્રણ અલગ-અલગ બાઈકની પેટ્રોલની ટાંકીમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવતા બે શખસોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે એક શખસ ત્યાંથી નાશી છૂટ્યો છે જેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે અને ત્રણ શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈકના દરેક ભાગમાં તપાસ કરો ને દારૂ મળે
ઉનાના નાલિયા માંડવી ગામે રહેતા ઇમ્તિયાઝ ઉર્ફે રાવડી સુમરા, મુસ્તફા ઇકબાલ તેમજ હુસેન શેખ, આ શખસો ત્રણ બાઈકોમાં દીવથી દારૂ લઈ દેલવાડા તરફ જતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે આધારે ગીર સોમનાથ જિલ્લા એલ.સી.બી.ની ટીમે દેલવાડા-દીવ રોડ પર વોચ ગોઠવી હતી. એક પછી એક દીવથી આવતી ત્રણ બાઇકોને રોકી તલાશી લેતાં પહેલાં તો બાઈકમાંથી દારૂ મળી આવ્યો ન હતો, પરંતુ ત્યારબાદ પોલીસે કડક પૂછપરછ કરતાં અને તલાશી લેતા બાઈકની પેટ્રોલની ટાંકીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

રૂપિયા 1 લાખને 9400નો મુદ્દામાલ પકડાયો
પોલીસે ત્રણેયને હિરાસતમાં લઈ ત્રણેય બાઈકોને ખોલીને તપાસ આદરી તો જાણવા મળ્યું. બાઈકનો જે પણ ભાગ ખોલો અંદરથી દારૂ જ મળે. તેમ કરતાં કરતાં પોલીસે બાઈકમાં અલગ-અલગ પાર્ટમાં તેમજ પેટ્રોલની ટાંકીમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 141 બોટલોનો જથ્થો પકડી પાડ્યો. કુલ રૂ. 1 લાખ 9400ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારે ઘટનાસ્થળેથી એક આરોપી હુસેન શેખ ત્યાંથી નાસી છૂટ્યો હતો જેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે ત્રણ શખસ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ પૂછપરછ કરવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બૂટલેગરોનો આ દારૂની હેરાફેરી કરવા માટેનો પહેલો એવો અવનવો કીમિયો નથી. અગાઉ પણ બૂટલેગરોએ ઘણા એવા કીમિયા અજમાવ્યા હતા. જે જોઈને લોકો પણ ચોકી ગયા હતા. જ્યાં કોઈએ કારની સીટમાં ચોરખાનું બનાવ્યું તો કોઈએ, જમીનની અંદર જ દારૂ સંતાડવા એક રૂમ તૈયાર કરી દીધો. તો કોઈ બૂટલેગરે તો માછલી ભરેલા કેરેટમાં દારૂની હેરાફેરી કરવાનું કાવતરું રચ્યું હતું. જે તમામ કીમિયા પર પોલીસે કઈ રીતે પાણી ફેરવ્યું તે પણ જાણો….

જમીન નીચે બનાવ્યો હતો 6 બાય 4નો સ્પેશિયલ રૂમ
ગીર ગઢડામાં બૂટલેગરો જાણે બેફામ બન્યા હોય અને જાણે પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. તેમાં આજે એક ચોકવનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં બૂટલેગરોએ દારૂ સંતાડવા સ્પેશિયલ એક ચોરખાનું બનાવ્યું. એ પણ જમીનની અંદર જ્યાં કોઈને ભાળ પણ ન થાય કે અહીંયાં કોઈએ વસ્તુ સંતાડી હશે. ત્યારે બેડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૂની હેરફેરની માહિતી પોલીસને પ્રાપ્ત થઈ હતી. જ્યાં પોલીસને બાતમી મળી હતી કે, સંતાડેલા દારૂની હેરાફેરી થવાની છે. તે પહેલાં જ એલસીબીએ દરોડો પાડી 15 લાખના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે બે બૂટલેગરોને ઝડપી પાડ્યા હતા.

માછલી ભરેલા કેરેટમાં દારૂ જોઈ પોલીસ ચોંકી ગઈ
સંઘ પ્રદેશ દીવના વણાંકબારામાંથી વિદેશી દારૂ મચ્છી ભરેલા કેરેટની અંદર છુપાવીને વેરાવળના બૂટલેગરને આપવા જતાં પકડાયો છે. ત્યારે રસ્તામાં પ્રાંચી નજીક બોલેરો કાર સાથે ધામળેજના બૂટલેગરને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસ ટીમે બોલેરોમાં મચ્છીના કેરેટમાં મચ્છીના જથ્થાની નીચે છુપાવેલા 25 હજારની કિંમતની 36 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝીણવટભરી તપાસ કરી અને કારની સીટમાંથી દારૂ મળ્યો
બૂટલેગર જિલ્લાના ઉના વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો કારમાં બનાવેલા ચોરખાનામાં છુપાવીને પોરબંદર તરફ લઈ જતો હતો. બૂટલેગરને કાર અને દારૂના જથ્થા સાથે ગીર સોમનાથ એલસીબીની ટીમે વેરાવળ નજીક હિરણ નદીના પુલ પાસેથી બાતમીના આધારે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂનો જથ્થો ઉના તાલુકાના કોબ ગામે રહેતા બૂટલેગર પાસેથી ભરેલો હોવાનું પૂછપરછમાં જાણવા મળતાં પોલીસે બંને બૂટલેગરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *