વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવ્યું છે. ખુલ્લામાં શૌચમુક્ત ભારત અંતર્ગત શૌચાલય બનાવાય છે, ત્યારે અમદાવાદના પે એન્ડ યુઝમાં શૌચ એટલે કે યુરિન કરવા માટે કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી, પરંતુ યુરિન કરવા માટે અહીં પાંચ રૂપિયા ચૂકવવા પડે છે. શહેરના ગીતામંદિર અમદાવાદ સેન્ટ્રલ બસ પોર્ટમાં ગેરકાયદેસર રીતે શૌચક્રિયા માટે એક બે નહીં, પરંતુ સીધા પાંચ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. રોજના અંદાજે રૂ. 5000 લેખે દર મહિને 1.50 લાખની ગેરકાયદેસર કમાણી પે એન્ડ યુઝનો સંચાલક કરી રહ્યો છે. ગીતામંદિર અમદાવાદ સેન્ટ્રલ બસ પોર્ટ ચલાવતા હબ ટાઉન કંપની અને એસટી વિભાગની બેદરકારી સ્પષ્ટ જણાય છે.
શૌચાલયમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે
દિવ્ય ભાસ્કર દ્વારા અમદાવાદના ગીતામંદિર સેન્ટ્રલ બસ પોર્ટમાં આવેલા પે એન્ડ યુઝમાં પેશાબ કરવા માટે ચાર્જ લેવામાં આવતો હોવા અંગેનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. ત્યારે તેમાં જાણવા મળ્યું હતું કે, શૌચાલયમાં બેઠેલો વ્યક્તિ ટેબલ ઉપર હાથ પછાડીને જેટલા પણ લોકો અંદર જાય તેની પાસેથી પૈસા ઉઘરાવે છે. શૌચક્રિયા માટે ક્યાંય પણ પૈસા હોતા નથી, પરંતુ ગેરકાયદેસર રીતે પે એન્ડ યુઝનો સંચાલક લોકો પાસેથી પૈસા ઉઘરાવીને લૂંટ ચલાવી રહ્યો છે.
એસટી વિભાગનો તપાસના નામે લૂલો બચાવ
ગુજરાત રાજ્ય એસટી વિભાગના સચિવ કે.ડી દેસાઈએ આ મામલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર શૌચક્રિયા માટે વધારે પૈસા લેવામાં આવે છે, તે મામલે હું તપાસ કરાવી લઉં છું. ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પીપીપી ધોરણે હબ ટાઉન કંપનીને ચલાવવા માટે આપવામાં આવ્યું છે. અવારનવાર આવી રીતે કોઈ ધ્યાને આવે તો અમે નોટિસ અને દંડ ફટકારતા હોઈએ છીએ. પરંતુ આ મામલે હું ત્યાંના અધિકારી સાથે વાત કરી અને જાણ કરું છું.
રાજ્યમાં ક્યાંય શૌચક્રિયા માટે ચાર્જ વસૂલાતો નથી!
ગુજરાતમાં શૌચાલયમાં શૌચ માટે એક રૂપિયાનો પણ ચાર્જ લેવામાં આવતો નથી એવું જો તમે માનતા હો તો ભૂલી જજો. કારણ કે, સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં જ્યાં રોજના લાખો લોકોની અવર-જવર હોય છે, એવા ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડમાં આવેલા પે એન્ડ યુઝમાં શૌચક્રિયા માટે પૈસા માગી સંચાલક દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. દિવ્ય ભાસ્કર દ્વારા ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર આવેલા એકમાત્ર પે એન્ડ યુઝમાં આવેલા શૌચાલયમાં શૌચક્રિયા માટે પૈસા લેવામાં આવતા હોવાની તપાસ કરી હતી. શૌચાલયમાં જ્યારે પ્રવેશ કરો ત્યારે સામે ટેબલ ઉપર એક વ્યક્તિ બેઠો હોય છે અને ટેબલની નજીક જાઓ ત્યારે હાથ પછાડીને પૈસા માંગતો હોય છે, જે વ્યક્તિ પૈસા આપે તેને અંદર જવા દે છે.
શૌચચાર્જમાં ખાલી એસટી સ્ટાફને મુક્તિ!
લોકો ખિસ્સામાંથી પહેલાં પૈસા કાઢે છે અને પછી શૌચક્રિયા માટે જાય છે, તો જ્યારે કોઈ વ્યક્તિ પૈસા આપ્યા વગર અંદર આવે અને પછી પાછો બહાર આવે તો તેની પાસેથી પણ પૈસા લેવામાં જ આવે છે. છુટ્ટા પાંચ રૂપિયા લેવામાં આવે છે, જો છૂટા ન હોય તો જેટલા છુટ્ટા પૈસા હોય તેટલા આપવા પડે છે. જોકે, એસટી બસ સ્ટેન્ડમાં જે પણ ડ્રાઇવર કે કંડક્ટર હોય અથવા એસટી વિભાગનો સ્ટાફ હોય તો તેમની પાસેથી પૈસા લેવામાં આવતા નથી. પરંતુ જો કોઈ મુસાફર કે વ્યક્તિ જાય તો તેમની પાસેથી પૈસા લઈ આ રીતે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે.
મિત ફાઉન્ડેશનનું ચાર્જનું બોર્ડ પણ સ્ટિંગમાં દેખાયું
ગીતામંદિર બસ સ્ટેન્ડ પર પે એન્ડ યુઝનું સંચાલક મિત ફાઉન્ડેશન નામની સંસ્થાને આપવામાં આવ્યું છે. શૌચાલયની બહાર શૌચાલયના ઉપયોગ માટેના ચાર્જ લખેલું બોર્ડ મારવામાં આવ્યું છે, જેમાં શૌચ માટે 0 રૂપિયા લખ્યા છે. સ્નાન માટે એક રૂપિયો લખ્યું છે, પરંતુ જ્યારે શૌચાલયની અંદર જાઓ ત્યારે ત્યાં બેઠેલો વ્યક્તિ શૌચ માટે પણ પાંચ રૂપિયાની માંગણી કરે છે. જેથી સ્પષ્ટ જણાય છે કે પે એન્ડ યુઝનો સંચાલક ગેરકાયદેસર રીતે લોકો પાસેથી પૈસા ઉઘરાવી કમાણી કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ આજનું નહીં, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ રીતે પે એન્ડ યુઝનો સંચાલક શૌચક્રિયા માટે પૈસા ઉઘરાવે છે અને એસટી વિભાગના કોઈ પણ કર્મચારી કે અધિકારી આ બાબતે ધ્યાન આપતાં નથી.
એસટી વિભાગ અને હબ ટાઉનના આંખ આડા કાન
અમદાવાદ ગીતામંદિર એસટી સ્ટેન્ડ પર લાખો લોકોની અવર-જવર હોય છે અને રાજ્યના દરેક શહેર અને અન્ય રાજ્યોમાંથી લોકો આવતા જતા હોય છે. આ બસ સ્ટેન્ડ પીપીપી ધોરણે હબ ટાઉન નામની કંપનીને આપવામાં આવ્યું છે, પરંતુ આ કંપનીના જ મળતિયાઓ અને એસટી વિભાગના કર્મચારીઓની મિલીભગતથી બસ સ્ટેન્ડમાં શૌચક્રિયાના નામે લોકોને લૂંટવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી આ રીતે પૈસા ઉઘરાવવામાં આવે છે. ખુદ હબ ટાઉન અને એસટી વિભાગના કર્મચારીઓ પણ આ શૌચાલયનો ઉપયોગ કરે છે, ત્યારે તેમના સુધી આ બાબત ધ્યાને આવી હોય તો કેમ હબ ટાઉન કે શૌચાલયના સંચાલકને નોટિસ ફટકારીને તેની સામે કાર્યવાહી નથી કરવામાં આવતી અથવા તો આ રીતે ગેરકાયદેસર રીતે જો પૈસા ઉઘરાવતો હોય તો તેની પાસેથી કેમ પે એન્ડ યુઝનું સંચાલન પરત લઈ લેવામાં આવતું નથી અને અન્ય સંસ્થાને સોંપવામાં આવતું નથી.