ગુજરાત

નાની ઉંમરે ફાંસીની સજા થયાનો સૌરાષ્ટ્રનો પ્રથમ ચુકાદો, ફાસ્ટ ટ્રેક કોર્ટ બે વર્ષે સજા સંભળાવી, હવે હત્યારો જયેશ હાઇકોર્ટમાં જશે…

જેતલસરની સગીરા સૃષ્ટિ રૈયાણીના હત્યા કેસમાં જેતપુર સેશન્સ કોર્ટે આરોપી જયેશ ગીરધર સરવૈયાને ગઇકાલે ફાંસીની સજા સંભળાવી છે. આ પહેલા ગત શનિવારે મોડી રાત્રે આરોપી જયેશ સરવૈયાને તકસીરવાન ઠેરવી કોર્ટે બન્ને પક્ષને સાંભળવા માટે તા.10 માર્ચની મુદ્દત આપી હતી. જે પછી ગઈકાલે સાંજે 5.45 વાગ્યા બાદ અંતિમ સુનાવણી થઈ હતી. આરોપી જયેશની ઉંમર 25 વર્ષ છે અને સૌથી નાની ઉંમરે ફાંસીની સજા થયાનો સૌરાષ્ટ્રનો આ પ્રથમ ચુકાદો છે. ઉલ્લેખનીય છે કે આરોપીના વકીલ નિલેશ પંડ્યા દ્વારા સજાના ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે.

આકરી સજા થાય તેવી માંગ ઉઠી
હત્યાના બનાવ બાદ જેતપુર તાલુકા પોલીસે આરોપી જયેશ સરવૈયાની ઘરપકડ કરી હતી. હત્યા એટલી ક્રૂરતાથી કરાઈ હતી કે, રાજ્યભરમાં ચકચાર મચાવી હતી સાથે આરોપીને આકરી સજા થાય તેવી માંગ ઉઠી હતી.સત્તા પક્ષ-વિપક્ષના નેતાઓએ જેતલસર તરફની વાટ પકડી હતી અને સગીરાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ધારાશાસ્ત્રી જનકભાઈ પટેલની સ્પે.પી.પી. તરીકે સરકારે નિમણુંક કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવ્યો હતો. ગત મુદ્દતમાં કોર્ટમાં સ્પે.પીપીએ દલીલો કરેલી કે, આ બનાવ નિર્ભયા કેસ કરતા પણ વધુ ગંભીર હતો. નિર્ભયા કેસ અચાનક બનેલો બનાવ હતો, જ્યારે આ કેસમાં દોષિત ઠરેલ ચોટીલા ગયો હતો અને ત્યાંથી છરી લીધી હતી તેમજ કાવતરું ઘડી હત્યા નિપજાવી હતી. દોષિત જયેશની ઉંમર બનાવ વખતે 26 વર્ષ હતી.

એક એક ઘા માણસનું મૃત્યુ નિપજાવવા બરાબર
બચાવ પક્ષે દોષિત વ્યક્તિની ઉંમર નાની હોવાનો બચાવ થયેલો. જોકે નિર્ભયા કેસમાં પણ આરોપીઓની ઉંમર 25-26 વર્ષની હતી પણ કોર્ટે તે ધ્યાને લીધું નહોતું અને ચુકાદો આપેલો. આ ઉપરાંત બચાવ પક્ષે દોષિતના માતા-પિતા બીમાર હોવાની અને દોષિત આધાર હોવાની દલીલ થયેલી. જેની સામે કોર્ટ સમક્ષ હકીકત મુકેલી કે, દોષિત તેના માતા પિતા ભેગો રહેતો નહોતો. તેને ઘરેથી કાઢી મુકાયો હતો. તે તેના મામા સાથે રહેતો હતો. ઉપરાંત આરોપીએ 36 જેટલા છરીના ઘા કર્યા હતા જેમાં એક એક ઘા માણસનું મૃત્યુ નિપજાવવા બરાબર હતા. આ સિવાય મૃતકના સગીર ભાઈને પણ પાંચ ઘા મરેલા તે પણ ભાગી ગયો એટલે બચી ગયો નહિતર તેની પણ હત્યા થઈ હોત. હુમલા વખતે દોષિત ઠરેલ જયેશે કોઈ દયા બતાવી નથી જેથી અદાલત પણ દયા રાખ્યા વગર ફાંસીની સજા આપે તેવી રજૂઆત થઈ હતી. જે કોર્ટે માન્ય રાખી ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે.

અપીલ માટે 30 દિવસનો સમય હોય છે
કોર્ટમાં ચુકાદો આપતા પહેલા ન્યાયાધીશ ચૌધરીએ તકસીરવાન ઠરેલા જયેશને અમુક સવાલો પૂછ્યા હતા જેમાં તે કેટલું ભણેલો છે? તે છેલ્લા છ વર્ષમાં કઈ કઈ જગ્યાએ શું કામ કરતો હતો? તેમજ તેના પિતા શું કામ કરે છે, કઈ જગ્યાએ કામ કરે છે? આરોપીના પિતા પાસે ખેતીલાયક જમીન છે કે કેમ? તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ સજા સંભળાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તકસીરવાન ઠરેલ જયેશ પોતાના વકીલ મારફત આ ફાંસીની સજા સામે હાઇકોર્ટમાં અપીલમાં જઈ શકે છે. જે માટે ચુકાદા પછી અપીલ માટે 30 દિવસનો સમય હોય છે.

તબીબની જુબાની લેવડાવી
સમગ્ર કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર જનક પટેલ જે તે સમયે એક તબીબની જુબાની લેવડાવી હતી. જે જુબાની અંતર્ગત કોર્ટ સમક્ષ જનક પટેલે સાબિત કરી બતાવ્યું હતું કે, સગીરાને મારવામાં આવેલ એક એક છરીનો ઘા એક એક માનવનું મૃત્યુ નીપજાવવા માટે સક્ષમ છે. આમ જયેશ સરવૈયા દ્વારા માત્ર એક મનુષ્યનો વધ કરવામાં આવ્યું છે પરંતુ 36 મનુષ્યના વધ કરવામાં આવ્યા હોય તે પ્રકારની ઘટનાને તેને અંજામ આપ્યો છે. આરોપી દ્વારા મૃતક માટે કોઈપણ પ્રકારની સહાનુભૂતિ દર્શાવવામાં નથી આવી. સગીરાને છરીના ઘા ઝીંકવામાં આવતા તે જમીન પર નીચે પડી ગઈ હતી. ત્યારબાદ પણ જયેશ સરવૈયા દ્વારા સગીરાને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રમાં ફાંસીની સજા અપાયાના કિસ્સા
રાજકોટ સૌરાષ્ટ્રમાં ફાંસીની સજા અપાયાના કિસ્સા જોઈએ તો વર્ષ 1989માં શશીકાંત માળીને ફાંસી અપાઈ હતી તેણે ગાયકવાડીમાં ભારતીય મજદુર સંઘના અગ્રણી હસુભાઈ દવેના 3 પરિવારજનોની હત્યા 1980માં કરેલી જયારે કોઠારીયા રોડ પર પત્ની સંતાનોને જીવતા સળગાવ્યાના કેસમાં વર્ષ 2000ની સાલમાં કોર્ટે નરશી રાજપરાને ફાંસીની સજા ફટકારી હતી જે સુપ્રિમ કોર્ટે આજીવન કારાવાસમાં નબદીલ કરી હતી. અને પછી વર્ષ 2020માં ત્રણ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કર્યાના ગુનામાં રમેશ બચુ વૈદુકીયાને ફાંસીની સજા થઈ છે જેની અપીલ ઉપલી કોર્ટમાં પેન્ડીંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *