ગુજરાત

ખજૂરભાઈની ભાવી પત્ની કોણ છે ? કેવી રીતે બંને મળ્યા ? જાણો આ તમામ સવાલોના જવાબ

ખજૂરભાઈની ભાવી પત્ની કોણ છે ? કેવી રીતે બંને મળ્યા ? જાણો આ તમામ સવાલોના જવાબ,ગુજરાતમાં સોશિયલ મીડિયા વાપરતી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે ‘ખજૂરભાઈ’ એટલે કે નીતિન જાનીને ઓળખતી નહીં હોય. અગાઉ ‘ખજૂર’ના નામથી પોતાના કોમેડી વીડિયો બનાવીને પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરનારા નીતિન જાની હવે પોતાનાં સેવા કાર્યોથી ઘરે ઘરે જાણીતા બન્યા છે.

હવે નીતિન જાની વિશે રસપ્રદ પર્સનલ અપડેટ આવી છે. સૌના પ્રિય ખજૂરભાઈ યાને કે નીતિન જાની ઘોડે ચડવાના છે. તેમણે ગયા મહિને મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી હતી.

મીનાક્ષી દવેના અભ્યાસની વાત કરીએ તો તેમણે બેચરલ ઑફ ફાર્મસી કરેલું છે. મીનાક્ષીબેન ચોથા ધોરણથી હોસ્ટેલમાં રહેવા જતાં રહ્યાં હતાં. મીનાક્ષી દવેએ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘મને શરૂઆતમાં હોસ્ટેલમાં રહેવું નહોતું ગમતું. મમ્મી-પપ્પાથી દૂર થવું પણ નહોતું ગમતું. તો સામે મારા પરિવારને પણ એમ હતું કે હું હજી ચોથામાં ભણું છું ને કેવી રીતે બધું મેનેજ કરીશ.

શરૂઆતમાં તો હું ક્યારે રજા પડે અને મારાં મમ્મી-પપ્પા મને ઘરે લઈ જાય તેની આતુરતાથી રાહ જોતી હતી. જોકે, સમય જતાં હું ધીમે ધીમે હોસ્ટેલ લાઇફથી ટેવાઈ ગઈ હતી.’મીનાક્ષી દવેને જ્યારે પૂછવામાં આવ્યું કે નીતિન જાની સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા તો તેમણે જણાવ્યું હતું, ‘હું અને મારો પરિવાર નીતિન જાનીને તેમના વીડિયોના માધ્યમથી ઓળખતા હતા. નીતિન જાની પોતાનાં સેવાકાર્યોના કામ અર્થે મારા દોલતી ગામે આવ્યા હતા. અહીંયા પણ તેમણે મકાનો બનાવ્યાં છે.

પહેલી જ વાર જ્યારે નીતિન જાની મારા ગામે અંધ દાદીમા રાજીમાનું ઘર બનાવવા આવ્યા હતા. આ સમયે મેં પહેલી જ વાર તેમને જોયા હતા. આમ તો હું તે સમયે અમદાવાદમાં નોકરી કરતી હતી, પરંતુ કેટલાંક કામસર હું મારા ગામડે આવી હતી. દાદીમાના ઘરની આસપાસ મારા કાકા રહેતા હતા. નીતિન જાની આટલા મોટા સેલિબ્રિટી છે અને તેમને હું ચાહક તરીકે જ પહેલી વાર મળી હતી અને મેં તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.’
મીનાક્ષી દવેએ આ વાતને આગળ વધારતાં કહ્યું હતું, ‘થોડા સમય બાદ ખાંભા નજીક હનુમાનગઢમાં હનુમાનજીનું મંદિર આવેલું છે.

અહીંયા દર્શન માટે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને તે સમયે હું પણ મારા પરિવાર સાથે ગઈ હતી. આ દરમિયાન મારો ને તેમનો પરિવાર એકબીજાને મળ્યો હતો અને એકબીજાના નંબર લીધા હતા. નીતિન જાનીના મમ્મીને પણ હું અહીંયા પહેલી જ વાર મળી હતી. તેમને તો મારો સ્વભાવ ઘણો જ ગમી ગયો હતો.’નીતિન જાની વાતને આગળ વધારતાં કહે છે, ‘થોડો સમય બાદ મારાં મમ્મીએ મને એમ કહ્યું હતું કે તે બ્રાહ્મણ પરિવાર છે અને છોકરી પણ ઘણી જ સારી છે. ત્યારે મારા મનમાં બે ઘડી સવાલ થયો, અચ્છા તે આ છોકરીની વાત કરે છે. જેના વિશે ક્યારેય વિચાર ના કર્યો હોય અને ઘરમાં તેની જ વાત ચાલતી હોય તો સામાન્ય રીતે આપણા મનમાં જે ગડમથલ ચાલતી હોય તેવી થોડી ઘણી ચાલી હતી.

મારાં મમ્મીને મીનાક્ષી ઘણી જ ગમી ગઈ હતી. પછી મેં તેમને કહ્યું, ‘પહેલાં તમે તેમનો સ્વભાવ જાણો, પરિવારને ઓળખો અને પછી વાત આગળ વધારજો. બસ, પછી તો અમારું નક્કી થઈ ગયું ને સગાઈ પણ થઈ ગઈ.’નીતિન જાનીની કઈ વાત સૌથી વધારે ગમે છે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું, ‘મને તો નીતિનની દરેકે દરેક વાત ગમે છે.

સેલિબ્રિટી હોવું અલગ વાત છે અને સેવાનાં કાર્ય કરવા એ પણ અલગ વાત છે. નીતિન જાનીમાં આ બંને વાતોનો સમન્વય જોવા મળે છે અને તેથી જ આ વાત ઘણી મોટી બની જાય છે. ઘણા લોકો પાસે પૈસા તો હોય છે, પરંતુ તેઓ સારા કામમાં પૈસા વાપરતા નથી.’પરિવારે સંબંધ નક્કી કર્યો પછી કોણે સૌ પહેલાં ફોન કર્યો તે અંગે વાત કરતાં જ મીનાક્ષી દવેએ સહેજ શરમાતાં અવાજમાં કહ્યું હતું, ‘મારા પરિવારે માગું સ્વીકારી લીધું અને પછી સૌ પહેલો ફોન નીતિન જાનીએ સામેથી કર્યો હતો.

ફોન પર મેં તો સૌ પહેલાં એમ જ કહ્યું હતું કે તમે મારા લાઇફ પાર્ટનર બનવાના છો તે વાત જ મારા માટે શૉકિંગ હતી. મેં તો હંમેશાં તમને એક સેલિબ્રિટી તરીકે જ જોયા છે. હું તમારા પ્રશંસક છું. તમારું સારું કામ જોયું છે.’મીનાક્ષી દવેએ કહ્યું હતું, ‘સંબંધ બંને પરિવાર તરફથી નક્કી થયા બાદ સગાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અમે શોપિંગમાં વ્યસ્ત થઈ ગયા હતા તો નીતિન જાની સૌરાષ્ટ્રમાં મકાનો બનાવવામાં ઘણા જ વ્યસ્ત હતા. આ જ કારણે અમારી વચ્ચે ખાસ વાતચીત પણ થઈ નહોતી. અમે સીધા સગાઈમાં જ એકબીજાને પહેલી વાર મળ્યા હતાં.’

મીનાક્ષી દવેએ કહ્યું હતું, ‘મને તો ક્યારેય આવો વિચાર પણ આવ્યો નથી. છેલ્લે જ્યારે તેમણે શૂટિંગ કર્યું ત્યારે હું પણ સેટ પર હતી. મેં તેમને મારા હાથે જ સ્ત્રી પાત્ર માટે તૈયાર કર્યા હતા. આ તો એક કેરેક્ટર છે.

જ્યાં સુધી તમે કેરેક્ટરને આત્મસાત્ ના કરો ત્યાં સુધી તમે તે પાત્ર ક્યારેય સારી રીતે ભજવી શકો નહીં.’ખર્ચ અંગે સવાલ કરવામાં આવ્યો તો નીતિન જાનીએ ઘણી જ સહજતાથી કહ્યું હતું, ‘હવે તો મેં ખર્ચ કેટલો થાય તેની ગણતરી જ કરવાની માંડી વાળી છે. શરૂઆતમાં ઘર બનાવવાનો ખર્ચ અંદાજે બે લાખ રૂપિયા આવતો હતો.

જોકે, પછી ઘરને થોડું અપગ્રેડ કર્યું અને ઘરમાં PoP (પ્લાસ્ટર ઑફ પેરિસ)ની સિલિંગ, ઘરની આગળ બ્લોક નાખી દઈએ, રસોડું વ્યવસ્થિત બનાવતા થયા. એટલે હવે એક ઘર બનાવવાનો ખર્ચ 3 લાખ 70 હજાર જેટલો થાય છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *