સુરતના કુંભારીયા ગામ પાસેથી 5.30 કિલો ગાંજો મળી આવ્યો , ડ્રાઇવર સહિત ટ્રક ઝડપાયો…,સુરત ક્રાઇમ બ્રાંચે કુંભારીયા ગામના સહયોગ ટ્રાન્સપોર્ટના ગેટ પાસે પાર્ક મહારાષ્ટ્ર પાર્સીંગની ટ્રકમાંથી 5.303 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ડ્રાઇવર અને ક્લીનરને ઝડપી પાડી રોકડ, ટ્રક સહિત કુલ રૂ. 12.16 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પ્રાથમિક પૂછપરછમાં માંલેગાંવથી ગાંજાનો જથ્થો લાવ્યાની કબૂલાત કરી હતી.સુરત સિટી ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કુંભારીયા ગામના પાદર ફળીયામાં સહયોગ ટ્રાન્સપોર્ટના ગેટ પાસે ખાડી કિનારે પાર્ક ટ્રક(MH-48-J-0772)ની તપાસ કરી હતી.
જે અંતર્ગત ડ્રાઇવર કેબીનમાંથી ડ્રાઇવર સદ્દામ શફીક શેખ (ઉ.વ. 30 રહે. ગુલશેર નગર, માલેગાંવ, જિ. નાસીક, મહારાષ્ટ્ર) અને ક્લીનર નાસીર હુસૈન ઇકબાલ અહેમદ અંસારી (ઉ.વ. 27 રહે. નવા આઝાદ નગર, માલેગાંવ, જિ. નાસીક, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડી કેબીનમાંથી 5.303 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે લીધો હતો.
ક્રાઇમ બ્રાંચની ટીમે ગાંજાનો જથ્થો કિંમત રૂ. 53 હજાર, સદ્દામની તલાશી લેતા તેની પાસેથી મળી આવેલા રોકડા રૂ. 1.53 લાખ, ટ્રક કિંમત રૂ. 10 લાખ મળી કુલ રૂ. 12.16 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પોલીસે સદ્દામ અને નાસીર વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં માંલેગાંવના ગફાર શેખ નામના વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યાની અને સુરતમાં ગફાર નામના વ્યક્તિને ડિલીવરી આપવાનો હોવાની કબૂલાત કરી હતી.