સુરત શહેર દિવાળીના તહેવાર પર જગમગી ઉઠ્યું , આકાશી નજારો બધાને મોહી રહ્યો છે…જુઓ આકાશી તસવીરો,સુરત શહેરમાં દિવાળીની અદભુત રોનક જોવા મળી હતી. સુરત શહેરમાં દિવાળીની ધૂમ ખરીદી થઈ રહી હતી અને બજારોમાં પણ ઉત્સાહનો માહોલ હતો. સુરત શહેરના રિંગરોડ ગૌરવ પથ જેવા વિસ્તારોમાં લાઇટિંગના નયનરમ્ય નજારા જોવા મળી રહ્યા છે.
સુરતને જાણે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.સુરત જેવા ઔદ્યોગિક શહેરની અંદર દરેક પર્વની ખૂબ જ ધૂમધામપૂર્વકની ઉજવણી થતી હોય છે. કોરોનાકાળ બાદ સુરત શહેરમાં દિવાળીની ધૂમ જોવા મળી રહી છે. આખી રાત આતશબાજી આકાશમાં જોવા મળી હતી.
શહેરનું આકાશ પણ જાણે રંગબેરંગી રોશનીથી સજાવી દીધું હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. શહેરના મોટાભાગના ફ્લાયર્સ અને તાપી ઉપરના બ્રિજને શણગારવામાં આવ્યા છે.સુરતીઓ દરેક ક્ષણને માણી લેવામાં માને છે અને તેના કારણે જ તેઓ ઉત્સવપ્રેમી પ્રજા કહેવાય છે.
સુરતીઓ દરેક તહેવારને ખાસ બનાવી દેતા હોય છે. તેમાં પણ વાત જ્યારે દિવાળીની હોય ત્યારે આખું શહેર જાણે રોશનીથી ઝગમગી ઊઠે છે. મોટાં મોટાં શોપિંગ કોમ્પલેક્ષો, મોટી ઇમારતો ઉપર થયેલા લાઇટિંગને કારણે આખું શહેર અનેરું લાગી રહ્યું છે.
સુરત શહેરના રોશનીનાં આકાશી દૃશ્યો સૌ કોઈને મોહી લે તેવાં છે. દૃશ્ય જોતાં જ લાગે કે આ છે સુરતની સોનાની મૂરત. આખું શહેર દિવાળીના ઉત્સાહથી છલોછલ જોવા મળી રહ્યું છે. આખા શહેરમાં થયેલી રોશનીને જોવા માટે મોડી રાત સુધી સુરતીઓ ફરતા દેખાયા હતા. ઠેરઠેર રસ્તા ઉપર રંગોળી અને ભાત ભાતની લાઇટિંગોથી સુરત ઝળહળી રહ્યું છે.