ગુજરાત વિધાનસભાની ચુૂંટણી જાહેર થવાની ગણતરીઓ થઈ રહી છે. ત્યારે આજે સોમનાથ સાનિધ્યે ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની 53 વિધાનસભા બેઠકો હાંસલ કરવા માટે ગૃહમંત્રી અમીત શાહ સૌરાષ્ટ્રભરનાં ભાજપના ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરવા પહોંચ્યા હતા.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારથી લઈને સાંજ સુધી ત્રણ તબક્કામાં બેઠકો યોજાઈ. જેમાં સૌરાષ્ટ્રની 53 વિધાનસભા બેઠકો કબજે કરવા ગૃહમંત્રી અમીત શાહ મંથન કરી રણનીતી ઘડી હતી.
વેરાવળ માર્કેટીંગ યાર્ડમાં યોજાઈ રહેલ ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ભાગ લેવા માટે સવારે ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હવાઈ માર્ગે સોમનાથ પહોંચ્યા હતા. બાદમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા સહિત રાજ્ય સરકારના અનેક મંત્રીઓ પણ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
આ બેઠક દિવસભર ચાલશે. જેમાં અમિત શાહ સૌરાષ્ટ્રના ભાજપના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો સાથે સીધો સંવાદ કરી આગામી વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની બેઠકો વિજય બનાવવા મંથન કર્યુ હતુ.આ મહત્વપૂર્ણ બેઠક અંગે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારએ જણાવ્યું કે, પ્રદેશ ભાજપના નેતૃત્વ આગેવાનોની અધ્યક્ષતામાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી રહી છે.
ગૃહમંત્રી અમિતભાઈ શાહ, સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના નેતાઓ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ભાજપ પ્રમુખો, પ્રભારીઓ, વિવિધ મોરચાના પ્રમુખો, વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો તથા સાંસદો અને સરકારના મંત્રીઓ સાથે ત્રણ તબક્કામાં બેઠક કરીને આગામી ચુંટણીને લઈ પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની 2017 ની ચુંટણીમાં ભાજપનું સૌરાષ્ટ્રની 53 બેઠકો ઉપર નબળું પ્રદર્શન રહ્યું હતુ. જેના પરીણામો ઉપર તથા આગામી 2022 ની વિધાનસભાની ચુંટણીમાં સૌરાષ્ટ્રની તમામ બેઠકો અંકે કરવા માટે ગૃહમંત્રી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે મંથન કરી રણનીતી ઘડશે તેવું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની આજે મળી રહેલ મહત્વની બેઠકમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ભાજપના અગ્રણી આગેવાનો સોમનાથ પહોંચ્યા છે. ત્યારે સોમનાથ સાનિધ્યે અત્યારથી ચૂંટણીલક્ષી માહોલ વર્તાઈ રહ્યો છે.