મોરબીમાં મામલતદારે સરકારી યોજનાનો લાભ અપાવવા માટે હોસ્પિટલમાં ટીમ મોકલીને બાળકનું આધાર કાર્ડ કઢાવી આપ્યું…,મોરબીના ગ્રામ્ય મામલતદાર સંવેદનશીલ અધિકારી હોવાનું તાજું ઉદાહરણ જોઈએ તો મોરબીની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બાળકને સરકારી યોજનાનો લાભ અપાવવા કીટ સાથેની ટીમ હોસ્પિટલ મોકલીને તેમણે આધારકાર્ડ કઢાવી આપ્યું હતું.
માળિયાના ચમનપર ગામના રહેવાસી અમરશીભાઈ દેવીપુજકના એક વર્ષના માસૂમ પુત્ર સંજયને હૃદયની ગંભીર બીમારી હોવાથી મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત પરિવારની સ્થિતિ સામાન્ય હોય તેઓ સારવારના ખર્ચને પહોંચી શકે તેમ ના હોવાથી સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબ બાળકોને મફત સારવાર મળે તે માટે કાર્ડ કઢાવવાનું હતું. પરંતુ ગંભીર બીમારી હોવાથી બાળકને લઈને આધાર કાર્ડ માટે સરકારી કચેરીએ જઈ શકાય તેમ ના હતું.
આ બાબત મોરબીના મામલતદાર નીખીલ મહેતાના ધ્યાને આવતાં તાત્કાલિક પોતાની આધારકાર્ડની ટીમને આયુષ હોસ્પિટલ મોકલી હોસ્પિટલમાં એડમીટ બાળકને આધારકાર્ડ રજીસ્ટ્રેશન કામગીરી કરાવી હતી. ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટેનું કાર્ડ તાત્કાલિક એપ્રુવ કરવા આરોગ્ય અધિકારીને જાણ કરી હતી.