રાઘવ ચઢ્ઢાએ કહ્યું ભાજપ કઈ ખુશીમાં ગૌરવ યાત્રા કાઢી રહી છે , આ પેપર લીક થવાનું બંધ તો થતું નથી…જુઓ અહી

રાઘવ ચઢ્ઢાએ કહ્યું ભાજપ કઈ ખુશીમાં ગૌરવ યાત્રા કાઢી રહી છે , આ પેપર લીક થવાનું બંધ તો થતું નથી…જુઓ અહી,વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા રાજકોટની મુલાકાત પર મુલાકાત લઈ રહ્યા છે. આજે ફરી રાજકોટની મુલાકાતે આવ્યા છે. રાજકોટમાં તેમની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ આજે ગુજરાત ગૌરવ યાત્રા કાઢી રહ્યો છે, પણ કઈ વાતનું ગૌરવ તેવો સવાલ ઉઠ્યો છે. ગુજરાતમાં પેપર લીક થવાની ઘટના અટકતી જ નથી. BBA અને B.com જેવી સામાન્ય પરીક્ષાના પેપર પણ હવે ફૂટવા લાગ્યા છે.
રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓના વાલીઓને કહીશ કે, આ વિદ્યાર્થીઓનું પેપર નહીં નસીબ ફૂટ્યું છે. થોડા સમયમાં નેતાઓની પરીક્ષા આવશે ત્યારે હું વાલીઓને કહેવા માગું છું કે, તમારા વિદ્યાર્થીઓ પેપર ફોડવાવાળા ભાજપના નેતાઓના પેપર ફોડી નાખજો.
ગુજરાતમાં 6 વર્ષમાં જે પેપરો ફૂટ્યા તેની પરીક્ષા ફરી લેવામાં આવી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ હવે પેપરો ફૂટવા લાગ્યા છે. ભાજપના નેતાઓના સંતાનો વિદેશની અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આમ જનતાના સંતાનો જ સરકારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સૌરાષ્ટ્રના 25 હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે.
રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીની તમામ એજન્સીઓ ભાજપના ઇશારે કામ કરે છે, ભાજપ ઈચ્છે છે કે, ગોપાલ ઈટાલીયાના એક વીડિયોના મુદ્દે ચૂંટણી લડે છે. ગોપાલ ઈટાલીયાના જૂના વીડિયો કાઢીને ભાજપ સરકાર દબાવવાના પ્રયાસો કરે છે. દિલ્હીમાં તમામ એજન્સીઓ કોના હાથમાં છે તે બધા જાણે છે.
ચૂંટણી નજીક આવતા ખોટી રીતે ગોપાલ ઇટાલીયાની ધરપકડ કરવામાં આવી છે. ગોપાલ ઇટાલીયાએ ખોટું કર્યું હોય તો ધરપકડની કાર્યવાહી કરવી જોઈએ, પણ ખોટી રીતે દબાવવાનો પ્રયાસો ન થવા જોઈએ.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ શેનો બદલો લઈ રહી છે તે સમજાતું નથી, ગોપાલ ઇટાલીયા સરદાર વલ્લભભાઈ પટેલના વંશજ છે.
પટેલ સમાજ સામે શું ભાજપને વાંધો છે તે સમજાતું નથી. ગરીબ અને સામાન્ય પરિવારમાંથી આવતા યુવા નેતા પોતાનું રાજકીય કેરિયર બનાવવા જઈ રહ્યા છે. આ માત્ર ગોપાલ ઇટાલીયાની ધરપકડ નથી. તેના સમાજની ધરપકડ છે. ભાજપ સરકાર ડરી ગઈ છે એટલે ગોપાલ ઇટાલીયાની ધરપકડ કરી રહી છે. ગોપાલ ઇટલીયાની સાથે આખું આમ આદમી પાર્ટી ખંભે ખંભો મેળવીને ઉભી છે.