સુરતના વેસુની એક રેસીડેન્સીમાં નવમા માળે લાગી આગ , ટૂંક સમયમાં જ ફાયર ડિપાર્ટમેન્ટે સ્થિતિ હાથ ધરી…,સુરત વિસ્તારની હાયરાઇઝ બિલ્ડીંગોમાં આગ લાગે છે ત્યારે અફરાફરીનો માહોલ જોવા મળતો હોય છે. વેસુ વિસ્તારમાં આવેલી નંદની વન રેસીડેન્સીમાં નવમા માળે ફ્લેટમાં આગ લાગવાની ઘટના બનતા એ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા. ફાયર વિભાગને કોલ મળતા ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
નંદની વન રેસીડેન્સીના ફ્લેટ નંબર 901માં એકાએક ધુમાડા નીકળવાના શરૂ થયા હતા. ધુમાડો નીકળતાની સાથે જ ફ્લેટમાં રહેલા લોકો દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી. લોકો ડરીને નીચે દોડી આવ્યા હતા. તેમજ નવમા માળે આગ લાગતા તમામ ફ્લોરના લોકો નીચે આવી ગયા હતા. આસપાસની વીંગમાં પણ લોકો ગભરાયા હતા.
આગ પ્રસરે તેની ચિંતા બાજુના ફ્લેટમાં તેમજ અન્ય લોકોને હતી.ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું કે નંદની વન રેસીડેન્સીમાં આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અમારી એક ટીમ લિફ્ટ મારફતે નવમા માટે પહોંચી હતી અને બીજી ટીમ દ્વારા ટર્ન ટેબલ લેડર (TTL)ની મદદથી નવમા માળે સુધી પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનું શરૂ કરાયું હતું. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી.