ઈન્દોરમાં 11 વર્ષની કિશોરીનું માથામાં ગોળી વાગતાં મોત થઈ ગયું છે. તે માતાના ખોળામાં બેસી ગરબા જોઈ રહી હતી. ત્યારે અચાનક તેના માથામાંથી લોહીના ફૂવારા ઊડ્યા. તેની માતાને કઈ સમજણ ન પડી અને દીકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા.
આ ઘટના મંગળવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ બની હતી. 12 કલાકની પીડા બાદ બાળકીનું હોસ્પિટલમાં મોત થયું હતું. ગોળી કોણે છોડી તેની હજુ સુધી કોઈ જાણ થઈ નથી. છોકરીની માતાએ સમગ્ર ઘટના જણાવી..વાંચો તેમના શબ્દોમાં
શારદા નગર વિસ્તારની રહેવાસી રક્ષા શિંદેએ જણાવ્યું- હું દીકરી માહી અને દીકરા હાર્દિકને લઈ કોલોનીમાં ચાલી રહેલા ગરબા જોવા ગઈ હતી. દીકરી મારા ખોળામાં બેસેલી હતી. થોડી વાર પછી અચાનક ફટાકડા ફુટવા જેવો અવાજ આવ્યો. હું કઈ સમજુ તે પહેલા મારા ખોળામાં બેસેલી મારી દીકરીના માથામાંથી લોહીનો ફુવારો ઉડવા લાગ્યો. હું ઘરથી 500 મીટર દૂર હતી.
દીકરી માહીનું માથું દબાવી હું ઘર તરફ ભાગી. મને લાગ્યું કે કોઈએ પથ્થરમારો કર્યો હશે. હું પતિ સંતોષ સાથે બાપટ ચોક નજીક બારોડ હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલે અમને છોકરીને ત્યાંથી લઈ જવા કહ્યું. ત્યારબાદ અમે તેને સ્કીમ 54 સ્થિત રાજશ્રી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં પહેલા તેનું સિટી સ્કેન કરવામાં આવ્યું. ત્યાં તેને માથામાં ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું હતું.
માહીના પિતા સંતોષ કરિયાણાની દુકાન ચલાવે છે. તે મૂળ મહારાષ્ટ્રના અહમદનગરના રહેવાસી છે. તેમણે કહ્યું કે, દીકરી માહી દર વર્ષે આ પંડાલમાં ગરબા રમવા જતી હતી. પરંતુ તે આ વર્ષે અહીં ગરબા રમવા ગઈ ન હતી. તે 6ઠ્ઠા ધોરણમાં ભણતી હતી. ગરબા પંડાલમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ગરબા દરમિયાન કોઈએ ગોળી વાગતા જોઈ નહતી.
એસઆઈ કમલ કિશોર સોલંકીના જણાવ્યા અનુસાર આ ઘટના શારદા નગર પાસે બની હતી. સવાર સુધી તેની સારવાર ચાલુ હતી. પરંતુ 9 વાગ્યા પછી તેમની તબિયત બગડવા લાગી. સવારે 10.30 વાગ્યે તેનું અવસાન થયું. પોલીસ એસઆઈ સોલંકીએ જણાવ્યું કે અમે પૂછપરછ કરી પરંતુ કોઈએ ફાયરિંગ જોયું નથી. વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર પરિવારની કોઈ દુશ્મની કે વિવાદનો એંગલ પણ સામે આવ્યો નથી.