વડોદરા એમએસ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટની થઈ હતી હત્યા , હત્યારા સ્ટુડન્ટને ફાંસીની સજા મળે માટે પટેલ સમાજે કાઢી મૌન રેલી…,શહેરના માંજલપુર વિસ્તારના રહેવાસી અને એમ.એસ. યુનિવર્સિટીમાં કોમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ દક્ષ પટેલની હત્યા કરનારને ફાંસી આપવાની માગણી સાથે પટેલ સમાજ દ્વારા વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી.
નવલખી મેદાન ખાતેથી નીકળેલી આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. મૌન રેલીમાં જોડાયેલા તમામ લોકોએ હત્યારાને ઝડપથી ફાંસીની સજા આપવા માગણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, પ્રેમિકા છીનવી લેનાર 19 વર્ષિય કોલેજીયન સ્ટુડન્ટ દક્ષ પટેલની તેના મિત્ર પાર્થ કોઠારી ક્રૂર હત્યા કરી હતી. સયાજીગંજ અંલકાર ટાવરના બેઝમેન્ટમાં ફિલ્મી ઢબે કરવામાં આવેલી હત્યાએ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી મૂકી છે. બીજી બાજુ આ બનાવે પટેલ સમાજને પણ હચમચાવી નાંખ્યો છે.
જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં દક્ષ પટેલના હત્યારા પાર્થ કોઠારીને ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પુરાવા એકત્ર કરવા માટે સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્સન કરવામાં આવ્યું છે. આજે તેને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા પણ હત્યારાને કડકમાં કડક સજા મળે તે માટે ઝીણવટભરી તપાસ કરીને વધુમાં વધુ પુરાવા એકત્ર કરી રહી છે.
પટેલ સમાજને હચમચાવી નાંખનારા આ બનાવ બાદ ભવિષ્યમાં આવો કોઇ બનાવ ન બને તે માટે દક્ષ પટેલના હત્યારાને કડકમાં સજા મળે તે માટે વિશ્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સરદાર પટેલ સેવા દળ દ્વારા આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવલખી મેદાન ખાતેથી સવારે નીકળેલી મૌન રેલીમાં મોટી સંખ્યામાં પટેલ સમાજના અગ્રણીઓ, યુવાનો, યુવતીઓ દક્ષ પટેલને ફાંસીની સજા આપવા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો, પરિવારને અને પટેલ સમાજને ન્યાય આપવાની માંગ સાથે પ્લે-કાર્ડ સાથે જોડાયા હતા.
પટેલ સમાજના અગ્રણી સ્મીત પટેલે જણાવ્યું હતું કે, દક્ષ પટેલની હત્યા પટેલ સહિત સમગ્ર સમાજ માટે દુઃખદ ઘટના છે. દક્ષ પટેલના પરિવાર અને પટેલ સમાજને ન્યાય મળે તે રીતે દક્ષ પટેલના હત્યારાને સજા થાય તેવી અમારી માંગણી છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી હત્યારાને ઝડપથી સજા આપવામાં આવે તેવી અમારી માંગ છે. જેથી ભવિષ્યમાં કોઇ પણ આવું પગલું ભરતા પહેલાં વિચાર કરે.
નવલખી મેદાન ખાતેથી નીકળેલી પટેલ સમાજની નીકળેલી વિશાળ મૌન રેલીએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. નવલખી મેદાન ખાતેથી નીકળેલી રેલી મહારાણી શાંતા દેવી હોસ્પિટલ ચાર રસ્તા થઇ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.