અમિતાભ બચચનના 80માં જન્મદિન પર KBC માં લોકો ઉત્સાહિત , દીકરાને ગળે મળીને ભાવુક થયા અમિતાભ…,સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો 11 ઓક્ટોબરે 80મો જન્મદિવસ છે. અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. બિગ બીને એક ખાસ સરપ્રાઇઝ પણ આપવામાં આવી હતી.
‘કેબીસી 14’માં બિગ બીના 80મા જન્મદિવસ પર જયા બચ્ચન તથા અભિષેક બચ્ચન સ્પેશિયલ ગેસ્ટ બનીને આવશે. જયા બચ્ચન પહેલી જ વાર આ શોમાં જોવા મળશે. અભિષેક આ પહેલાં ઘણીવાર શોમાં આવી ચૂક્યો છે.
અમિતાભ બચ્ચનના બર્થડેનો સ્પેશિયલ એપિસોડ 11 ઓક્ટોબર, મંગળવારના રોજ ટેલિકાસ્ટ થશે. શોનો એક પ્રોમો શૅર કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં અભિષેક બચ્ચનની સરપ્રાઇઝ એન્ટ્રી થાય છે. આટલું જ નહીં, પ્રોમોમાં બિગ બીને ઇમોશનલ થતાં પણ બતાવ્યા છે.
પ્રોમોમાં જોઈ શકાય છે કે બિગ બી શોને હોસ્ટ કરતા હોય છે. ત્યારે અચાનક હૂટર વાગે છે. હૂટરનો અવાજ સાંભળીને અમિતાભ બચ્ચન સહિત સેટ પર હાજર રહેલા તમામ લોકો નવાઈમાં મુકાઈ જાય છે. ત્યાર બાદ અભિષેક ‘કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ…’ ગાઈને એન્ટર થાય છે. દીકરાને જોતાં જ અમિતાભ બચ્ચન એકદમ ખુશ થઈ જાય છે અને ભેટી પડે છે.
દીકરાને ભેટતી વખતે એકદમ જ અમિતાભ બચ્ચન ભાવુક થઈ જાય છે અને તેમની આંખો ભીંજાઈ જાય છે. બિગ બીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થઈ હતી. આ ઉપરાંત તે ‘ગુડબાય’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમણે ભાસ્કર પ્રજાપતિનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના તથા નીના ગુપ્તા છે. અમિતાભ ‘ધ ઇન્ટર્ન’, ‘પ્રોજેક્ટ K’ તથા ‘ઊંચાઈ’માં પણ કામ કરી રહ્યા છે.