ટ્રેનમા ચોરી કરવા આવેલ વ્યક્તિને 15 km સુધી લટકાવ્યો , ટ્રેનમાં બેસેલા લોકોએ ચોરને બારી પાસે જ પકડી રાખ્યો…,બિહારના બેગુસરાયમાં ચાલતી ટ્રેનની બારીમાંથી મોબાઇલ ચોરી કરવાના પ્રયાસમાં એક ચોરનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આ ચોરે સ્ટેશન પર ચાલતી ટ્રેનની બારીમાં હાથ નાખીને એક પેસેન્જરનો મોબાઇલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે પેસેન્જરે ચોરનો હાથ પકડી લીધો હતો.
બીજા પેસેન્જરે ચોરનો બીજો હાથ પણ ખેંચીને પકડી લીધો હતો. આ દરમિયાન ટ્રેન સ્ટેશનની બહાર નીકળી ગઈ અને ચોર બારી બહાર લટકી રહ્યો હતો. લગભગ 15 કિમી સુધી પેસેન્જરે આ રીતે જ ચોરને લટકાવી રાખ્યો હતો.
ટ્રેનના પેસેન્જરોએ આ ચોરને બેગુસરાયના સાહેબપુર કમાલ સ્ટેશનથી ખગડિયા સુધી આવી જ સ્થિતિમાં લટકાવીને લઈ ગયા. આ દરમિયાન ચોર ચાલતી ટ્રેનમાં સતત આજીજી કરતો રહ્યો કે મારો હાથ ભાંગી જશે, ભાઈ…નહીં તો મરી જઈશ, પરંતુ પેસેન્જરોએ તેને છોડ્યો નહીં.
ત્યાર બાદ ખગડિયા સ્ટેશન પર તેને GRPને સોંપવામાં આવ્યો હતો. યુવકનો નામ પંકજ કુમાર છે. તે બેગુસરાયનો સાહેબપુર કમાલ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. ચોર વિરુદ્ધ કેસ દાખલ કરી તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે.
પેસેન્જરોના જણાવ્યા અનુસાર, ટ્રેન બેગુસરાયના સાહેબપુર કમાલ સ્ટેશન પરથી આગળ વધી, ત્યારે પ્લેટફોર્મના છેડે ટ્રેનની બારીમાંથી હાથ નાખીને મોબાઈલ છીનવાનો પ્રયાસ કરવા લાગ્યો. એ સમયે એક પેસેન્જરે તેનો હાથ પકડી લીધો. એ પછી બીજા પેસેન્જરે તેના બંને હાથ પકડી લીધા. વીડિયોમાં જોવા મળે છે કે યુવક કહી રહ્યો છે કે હાથ ભાંગી જશે, જીવ બચાવી લો ભાઈ.
સાહેબપુર કમાલ સ્ટેશનથી ખગડિયા વચ્ચેનું અંતર 15 કિલોમીટર છે. પેસેન્જરો ઈચ્છતા તો ચેઇન પુલિંગ કરી ટ્રેન રોકી શકતા હતા, પરંતુ તેમણે ચોરને પાઠ ભણાવવા બારીમાં જ લટકાવી રાખ્યો. આ દરમિયાન કેટલાક પેસેન્જરોએ વીડિયો બનાવી લીધો હતો. ખગડિયા સ્ટેશન પર ટ્રેન પહોંચી ત્યારે યુવકને લટકતો જોતાં GRP આવી ગઈ અને ચોરને પકડીને લઈ ગઈ.
ત્રણ મહિના પહેલાં બેગુસરાયમાં ચાલતી ટ્રેનમાં ચોરીનો વીડિયો સામે આવ્યો હતો. કટિહારનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપરાના રહેવાસી મોહમ્મદ સમીર ટ્રેનની બોગીના ગેટ પર તેના મિત્ર સાથે બેઠો હતો. તેના હાથમાં મોબાઈલ હતો અને ફોન પર કંઈક જોઈ રહ્યો હતો. ટ્રેન બ્રિજ પરથી પસાર થતાં જ રેલવે બ્રિજ પર ઊભેલા એક યુવકે તેનો મોબાઈલ છીનવી લીધો હતો. આ ઘટના એટલી ઝડપથી બની કે સમીર સમજી જ ન શક્યો કે શું થયું.