હવે ફરી એકવાર લદાખમાં ભયવગર ફરવા જઈ શકાશે , લદાખ સરહદ પર ચીનની સેનાએ પીછેહટ કરી જેથી તણાવ ઘટયો…,પૂર્વ લદાખમાં સરહદે તણાવ ઓછો કરવાની દિશામાં ભારત અને ચીનની સેનાએ મોટી જાહેરાત કરી છે. બંને દેશની સેનાએ ગુરુવારે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે પૂર્વ લદાખમાં ગોગરા હોટસ્પ્રિંગ ક્ષેત્રમાં પેટ્રોલ પોઈન્ટ 15 પરથી બંને દેશે તેમના સૈનિકો હટાવવાનું શરૂ કરી દીધું છે.
ભારત અને ચીનના કોર કમાન્ડર સ્તરની 16મી બેઠકમાં સધાયેલી સંમતિ પછી આ ક્ષેત્રમાં ભારત અને ચીને આઠમી સપ્ટેમ્બર, 2022થી પાછળ હટવાનું શરૂ કરી દીધું છે. સૈનિકો હટાવવાનું કામ તબક્કાવાર રીતે થશે. સરહદે તણાવ ઓછો કરવાની દિશામાં આ સારું પગલું છે.
નોંધનીય છે કે, બંને દેશના કોર કમાન્ડર સ્તરની 17મી જુલાઈએ યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.એક સપ્તાહ પછી ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગે-નાઈઝેશનની વાર્ષિક બેઠક યોજાવા જઈ રહી છે, બંને દેશે સૈન્ય હટાવવાની શરૂઆત કરી છે.
તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ સામેલ થશે. ત્યાં બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ શકે છે.પૂર્વ લદાખમાં એલએસી નજીક ભારત-ચીનની સેના એપ્રિલ-મે 2019થી અનેક વિસ્તારમાં સામસામે તહેનાત હતી.
આ દરમિયાન જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિક વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા, જ્યારે ચીનના 40થી વધુ જવાન પણ માર્યા ગયા હતા. ચીને તેનો ક્યારેય સત્તાવાર સ્વીકાર નથી કર્યો.