ઘડીક તો વિશ્વાસ નહિ આવે, અમદાવાદમાં આવું મીની જંગલ-પ્રકૃત્તિના ખોળામાં બેસીને મેળવી શકશો મનની શાંતિ,આજકાલના શોર-બકોર ભરેલ જીવનમાં ઘણા લોકો શાંતિની શોધમાં નીકળી પડતાં હોય છે. એવા સમયે આ અમદાવાદ જેવા વિકસિત શહેરમાં વાહનના ધુમાડા, અવાજ અને લોકોની ભાગદોડ વચ્ચે ક્યાંય શાંતિ મળતી નથી.
સામાન્ય રીતે શાંતિ મેળવવા માટે લોકો છુટ્ટી લઈને દૂર કોઈ જગ્યા પર ફરવા નીકળી પડે છે. પણ વારંવાર કામ છોડીને કેવી રીતે ફરવા નીકળી પડવું એ પણ મોટો સવાલ છે. એટલા માટે અમદાવાદમાં રહેતા લોકો માટે અમે ખાસ એક એવી જગ્યા શોધીને લાવ્યા છીએ જે શહેરમાં જ છે પણ શહેરના ભાગદોડ ભર્યા જીવનથી ઘણી દૂર છે.
કોઈ તમને એમ કહે કે આ સુપર ફાસ્ટ કહેલાતા શહેર વચ્ચે તમને અઢળક વૃક્ષો, તળાવ અને પક્ષીઓના કલરવ સંભળાતું એક જંગલ છે તો તમને એ વાત પર શાયદ ભરોસો નહીં આવે. પણ એ વાત બિલકુલ સાચી છે.
અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં જ એક સિમ્ફની ફોરેસ્ટ પાર્ક આવેલ છે જે તમને જંગલમાં ગયા હોય એવો અનુભવ કરાવે છે અને એટલા માટે ઘણા લોકો તેને મીની જંગલ પણ કહે છે. સિમ્ફની ફોરેસ્ટ પાર્કમાં જશો ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે તમે કોઈ જંગલમાં આવી ગયા છો. આ મીની જંગલમાં એક તળાવ છે,
તેમાં માછલીઓ પણ છે, લાંબો ચાલવા માટેનો વોક વે પણ છે અને સાથે ચારે બાજુ હરિયાળીતો ખરી જ. આ સાથે જ એક વાંસનું ટનલ બનાવવામાં પણ આવ્યું છે. એ સિવાય ત્યાં બેસવા માટે ઘણી સીટ પણ બનાવવામાં આવી છે.
જ્યાં બેસી તમે મીની જંગલને નિહાળી શકો છો અને શાંતિથી પક્ષીઓનો અવાજ સાંભળી શકો છો. જો તમે પણ કયાંથી કંટાળીને શાંતિની ખોજમાં છો અને અમદાવાદમાં જ રહો છો તો આ સિમ્ફની ફોરેસ્ટ પાર્કની મુલાકાત લઈ શકો છો.
ત્યાં પંહોચવા માટે તમે ગૂગલ પર સિમ્ફની ફોરેસ્ટ પાર્ક સર્ચ કરી શકો છો. સરખેજ – ગાંધીનગર હાઇવે પર સિંધુ ભવન રોડ પાસે જ આ મીની ફોરેસ્ટ આવેલ છે. સિમ્ફની ફોરેસ્ટ પાર્ક સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે. પણ ખાસ નોંધ લેવી કે બપોરે 12 થી 2 વાગ્યાનો એક બ્રેક હોય છે ત્યારે સિમ્ફની ફોરેસ્ટ પાર્ક બંધ હોય છે.