સુરત વાસીઓ સાવધાન: તાપી અને વલસાડમાં મેઘરાજએ કર્યો જોરદાર પ્રહાર- રૂંવાટા ઉભા કરી દેશે આ દ્રશ્યો,ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે શ્રાવણમાં શ્રીકાર જેવો માહોલ સર્જાયો છે.. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જાણે વાદળો ફાટ્યા હોય તેમ વરસાદી હોનારત વરસી છે. જેમાં અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવમાં સુરતનું સણીયા ગામ અડધું ડુબી ગયું છે.
જેથી ગામનું પાદર જાણે લોકો માટે સ્વિમિંગ પુલ બન્યું હતું. ગામમાં આશરે 5 થી 6 ફૂટ જેટલાં પાણી ભરાયા હોવાંથી ગામના પાદરે આવેલા મંદિર, દુકાનો અને કેટલાક ઘરો પાણીમાં અડધે સુધી ડુબી ગયાં છે. આથી લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવાની નોબત આવી હતી.
સુરત શહેર સિવાય પણ બારડોલી પંથકમાં 24 કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે રસ્તાઓ સ્વિમિંગ પુલ બની ગયા હતા. જેના કારણે વાહન વ્યવહાર પર ભારે અસર પડી હતી. બીજી તરફ બારડોલીની મીંઢોળા નદીમાં પૂર આવતા રામજી મંદિર નજીક આવેલો બ્રિજ પાણીમાં ગરકાબ થઈ ગયો હતો. જેના કારણે બ્રીજને બંધ કરવાની મુસીબત આવી પડી હતી.
દક્ષિણમાં સુરત, વલસાડની સાથે સાથે તાપી જિલ્લામાં પણ ખુબ સારો વરસાદ પડ્યો છે. જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવતા વ્યારાથી ચીખલી જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે 10 થી વધુ ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. બીજી તરફ જિલ્લાના ડોલવણથી પસાર થતી ઓલણ, અંબિકા અને પૂર્ણા નદીઓ પણ બેકાંઠે વહી રહી છે.
જેને લઈને નદીકાંઠાના તમામ ગામડાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે.આ તરફ મધ્યપ્રદેશમાં ખુબ સારા વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમમાં 3.33 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.હાલમાં 134.93 મીટર સુધી ડેમની સપાટી પહોંચી છે.
જોકે ઉપરવાસમાંથી ભારે પાણીની આવકના પગલે ડેમના 23 દરવાજા 2.25 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. અને હાલમાં નર્મદાનદીમાં 3 લાખ 95 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે કાંઠા વિસ્તારના ગામડાઓને અલર્ટ કરાયા છે.