સંસ્કૃતમાં ચાર્વાકની એક પંક્તિ છે – ‘यावज्जीवेत सुखं जीवेत्, ऋणं कृत्वा घृतं पिबेत्’ જેનો અર્થ એ થયો કે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી સુખેથી જીવો, ભલે તમારે કરજ લઈને ઘી પીવું પડશે. દેશનાં અમુક મોટાં ઉદ્યોગપતિઓએ આ કહેવતને સાચી સાબિત કરી બતાવી છે. દેશને કંગાળ કરીને વિદેશ ભાગી જનારાં ભાગેડું ઉદ્યોગપતિઓની કહાની કંઇક આવી જ છે. તેમાં વિજય માલ્યાથી લઈને લલિત મોદી, નીરવ મોદી અને મેહુલ ચોક્સીનાં નામ સામેલ છે.
બેંકમાંથી લોન લઈને લંડન ભાગી ગયેલાં વિજય માલ્યા ભારતમાં વૈભવશાળી જીવન જીવ્યાં હતાં, તેનું નામ બોલિવૂડની ઘણી ફેમસ મોડલ્સ સાથે જોડાયું હતું. વિજય માલ્યાએ અત્યાર સુધીમાં ત્રણ લગ્ન કરી ચૂક્યા છે. તેનું હૃદય ક્યારેક પોતાનાથી મોટી ઉંમરની મહિલા પર તો ક્યારેક પોતાની એરલાઈન કંપનીમાં કામ કરતી નાની એર હોસ્ટેસ પર આવી જાય છે.
પોતાને ‘કિંગ ઓફ ગુડ ટાઇમ્સ’ કહેનારાં વિજય માલ્યા પોતાનાં સારાં દિવસોમાં હંમેશા સુંદરીઓથી જ ઘેરાયેલાં રહેવાનું પસંદ કરતાં હતાં. કિંગફિશરનાં કેલેન્ડર લોન્ચિંગનાં કાર્યક્રમમાં તે દુનિયાભરની જાણીતી અભિનેત્રીઓ અને મોડલ્સ સાથે ફોટોશૂટ કરાવતો હતો.
બેંકોને 14 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી જનાર હીરાનો વેપારી મેહુલ ચોકસી વિદેશ જઈને પણ પોતાનો આશિકી મિજાજ છોડી શક્યો ન હતો. ફરાર થયા બાદ તેણે બબારા જરાબિકા સાથે મિત્રતા કરી અને તેની સાથે એન્ટીગુઆમાં રહેવા લાગ્યો. અહીં પણ મેહુલ પોતાની પ્રેમિકા સાથે વૈભવી જીવન જીવતો હતો. આ કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
તેની ધરપકડ થઈ તે સમયે બંને લક્ઝરી યાટ પર ડોમિનિકા ફરવા ગયા હતાં. જ્યાં ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસવા બદલ પોલીસે તેમની ધરપકડ કરી હતી. મેહુલની ધરપકડ થતાં જ તેની ગર્લફ્રેન્ડ બબારા ત્યાંથી ભાગી ગઈ હતી અને બાદમાં તેને બોયફ્રેન્ડ તરીકે સ્વીકારવાની ના પાડી દીધી હતી.
મની લોન્ડ્રિંગનાં આરોપમાં ભારત સરકારે ભાગેડુ જાહેર કરેલાં લલિત મોદીએ ભૂતકાળમાં મિસ યુનિવર્સ રહી ચૂકેલાં સુષ્મિતા સેન સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે. ટ્વીટર પર પોતાનાં સંબંધોને સાર્વજનિક કરતાં તેમણે કહ્યું, કે બંને જલ્દી જ લગ્નનાં બંધનમાં બંધાઈ જશે. હજારો કરોડની સંપત્તિનાં માલિક લલિત મોદી હાલ લંડનમાં રહે છે. ભારતીય એજન્સીઓ તેમને દેશનિકાલ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ લલિત મોદી 56 વર્ષની ઉંમરમાં જ મિસ યુનિવર્સ સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે.
પંજાબ નેશનલ બેંક પાસેથી 13 હજાર કરોડ ઉધાર લઈને ભાગી જનાર બિઝનેસમેન નીરવ મોદીને પણ સુંદરીઓનો શોખ રહ્યો છે. તેણે પોતાના હીરાંને વેચવા માટે આ સુંદરીઓનો સહારો લીધો. હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધીની મોટી-મોટી હિરોઈનો નીરવની ડિઝાઈનર જ્વેલરીને પ્રમોટ કરતી હતી. નીરવ પણ ઘણીવાર તેમની સાથે જોવા મળતો હતો.