ભારત

અનોખી વાત જાણી ને તમે ચોંકી જશો, કિન્નર ક્યાં રહે છે અને તેની દફન વિધિ કેમ કરવામાં આવે છે – જાણો અહી

અનોખી વાત જાણી ને તમે ચોંકી જશો, કિન્નર ક્યાં રહે છે અને તેની દફન વિધિ કેમ કરવામાં આવે છે – જાણો અહી,ગયા મહિનાને પ્રાઇડ મન્થ તરીકે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. દર વર્ષે જૂનમાં પૂરા વિશ્વમાં ત્રીજી જાતિનો સમુદાય આની ઉજવણી કરતો હોય છે. આને LGBTQ મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં જ ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થિની ઝરણા ગાંગુલીએ મનોવિજ્ઞાન વિષયમાં કિન્નરો પર PHDની કર્યું. કિન્નર સમાજ વિશે વધુ જાણકારી મેળવવા તથા તેમના વિશે લોકોમાં પણ એક સમજણ ફેલાય એ માટે દિવ્ય ભાસ્કરે ઝરણા ગાંગુલી તેમજ તેના ગાઈડ અને ગુજરાત યુનિવર્સિટીમાં 27 વર્ષથી અધ્યાપક તરીકે સેવા આપી રહેલા પ્રો. જિગર પરીખ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.

પ્રો. જિગર પરીખે કહ્યું હતું, ‘કિન્નર પ્રજા આખા વિશ્વમાં ફેલાયેલી છે, પરંતુ ભારતમાં કિન્નરોનું એક આગવું મહત્ત્વ છે. તમામ ધર્મોની અંદર તેમનું કામ અને રીતભાત બીજાથી અલગ પડે છે. તેમની જુગુપ્સાપ્રેરક અને રહસ્યમયી લાઇફસ્ટાઇલ વિશે સામાન્ય લોકો જાણવા ઉત્સુક રહે છે. તેમને પણ પરિવાર હોય છે, પરંતુ તેઓ તેમને તરછોડી દે છે. નાનપણથી જ મા-બાપથી માંડીને કુટુંબને જેવો ખ્યાલ આવે કે બાળક ફિઝિકલી ભલે નોર્મલ હોય પણ એ કિન્નર અથવા તો નપુંસક છે તો તેને ઘરની બહાર કાઢી મૂકે છે. આવાં બાળકોને કિન્નરો લઈને આવે છે. આ કિન્નરો આ બાળકોને ઉછેરે છે અને પછી તેમના બિઝનેસ કે ગ્રુપમાં જોતરે છે.’

પ્રો. પરીખ કહે છે, ‘આમ તો બે-ત્રણ રીત હોય છે. એક, જેમાં જન્મજાત રીતે બાળક ફિઝિકલી પુરુષ અથવા તો સ્ત્રી બંનેનાં અંગો ધરાવે છે. પુરુષનું અંગ છે, પણ ભાવ અને અંતઃસ્ત્રાવો સ્ત્રીના હોય છે અથવા સ્ત્રીનું શરીર છે, પણ અંત: સ્ત્રાવો પુરુષત્વવાળા વધારે છે, જેને ફિઝિકલ અનકોમનનેસ કહેવાય. આવાં બાળકો ધીરે ધીરે કેળવાઈને આગળ જતાં કિન્નર બને છે. બીજું, સદીઓથી આપણે ત્યાં અને દુનિયાભરમાં લોકોને કિન્નર બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્રીજું, અત્યારે ગે-લેસ્બિયનવાળું ચાલે છે. શરીર હોય છે સ્ત્રી કે પુરુષનું, પણ તેમને લાગે છે કે સ્ત્રી કે પુરુષના શરીરમાં મજા નથી આવી રહી તો પોતાના શરીરનાં અંગો તથા અંત:સ્ત્રાવનું ટ્રાન્સપ્લાન્ટ કરાવી પોતાની જાતિ બદલાવે છે.

પ્રોફેસરના જણાવ્યા પ્રમાણે, ‘અમુક ગુરુઓનું આર્થિક ભંડોળ એટલું વધારે હોય છે કે એ ધનકુબેરને પહોંચી વળે. તેમની પાસે ફાઇનાન્શિયલ સિક્યોરિટી અને અસ્ક્યામતો હોય છે. કિન્નરોના ગુરુઓમાં પણ સત્તા તથા પૈસા બે કેન્દ્રમાં વહેંચાયેલાં હોય છે. અમુક પાસે સત્તા હોય, અમુક પાસે પૈસા રાખવાની સત્તા હોય છે. તેમની આર્થિક તાકાત સામાન્ય બિઝનેસમેન જેટલી જ હોય છે. ભેગા થયેલા રૂપિયાનું તેઓ વ્યવસ્થિત ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તેમની જમીનો તથા અન્ય મિલકતો પણ છે. જોકે તેમની લાઇફસ્ટાઇલ ગોપનીય હોય છે. જાહેરમાં આવવાથી કે ઇન્ટરવ્યુ આપવાથી દૂર ભાગતા હોય છે. તેમના જીવનમાં જવું એક ગઢના કિલ્લાને જીત્યા બરાબર કહી શકાય. પૈસાને કારણે ઊભી થતી સમસ્યાઓ અને વિગ્રહો કિન્નરોમાં બહુ હોય છે.’

‘તેમના લગ્ન મોટે ભાગે બહુ જ ગોપનીય હોય છે. તેમનામાં ફિઝિકલ લગ્ન શક્ય હોતા નથી, જેનામાં સ્ત્રેણ વધારે હોય એ સ્ત્રી કિન્નર અને પુરુષત્ત્વ વધારે હોય એ પુરુષ કિન્નર હોય છે. તેમનાં નામો પણ તેમની લાગણી મુજબ પુરુષ કે સ્ત્રી પ્રકારનાં જ રાખવામા આવે છે. આ લોકો સાથે રહેતા થાય પછી ફિઝિકલ રિલેશનશિપમાં ગે અથવા લેસ્બિયનશિપ હોય છે, એટલે તેઓ હોમો સેક્સ્યૂઅલ હોય છે. બાળકોની શક્યતા હોતી નથી, એટલે મોટે ભાગે દત્તક લેવાય છે. દત્તક લેવાયેલા બાળકને વાલી તરીકે જવાબદારી લઈને ઉછેર કરે છે અને તેની છેક સુધીની જવાબદારી લે છે. બીજી તરફ એવું પણ જાણવા મળે છે કે ગુજરાતમાં કિન્નર સમુદાયના લગ્ન તેમના ગુરુથી થાય છે.’

પ્રોફેસર પરીખે વાત કરતાં કહ્યું હતું, ‘કિન્નરોના રહેઠાણનો વિસ્તાર બહુ જ રહસ્યમય હોય છે. કિન્નરો સામાન્ય રીતે રહેઠાણ બીજાઓથી છુપાવીને રાખતા હોય છે. અમે કામ કર્યું એ દરમિયાન કેટલીક એવી માહિતી જાણવા મળી એ મુજબ એ લોકોનાં કામ કરવાના વિસ્તાર વહેંચાયેલા હોય છે અને કામ કરવાના અલગ પ્રકારો હોય છે. કિન્નર સમાજમાં જુદા જુદા વિભાગો અને કામની વહેંચણી કરેલી હોય છે. આ આખી વ્યવસ્થા કોઈ કોર્પોરેટ કંપની જેવી હોય છે. અમુક લોકો ટોલ ટેક્સ પર કામ કરે છે. બહુ જ જૂજ લોકો અભ્યાસ તરફ વળ્યા છે અને ભારતમાં માંડ બે કે ત્રણ જણ એવા છે, જે IASની કક્ષા સુધી પહોચી શક્યા છે, એ ગૌરવ લેવાની વાત છે.’

‘અમદાવાદ શહેરમાં જેમ ચાર ઝોન છે એમ કિન્નરોના પણ ઝોન પડેલા હોય છે, જેને ગઢ કહી શકાય. નરોડા, શાહપુર, જુહાપુરા-વાસણા તથા જીવરાજ જેવા વિસ્તારોમાં તેમની વસાહતો કે ગઢ આવેલા છે. પોતાના સમાજનું જૂથ બનાવીને મોટા ભાગના લોકો નજીક રહેતા હોય છે. કિન્નરો ડિજિટલી અને ફિઝિકલી એકબીજા સાથે વેલ કનેક્ટેડ હોય છે. મોટા ભાગે એ મહોલ્લામાં રહેતા હોય છે, જેમાં કોઈને આવનજાવનની પરમિશન હોતી નથી. તેમના ડૉકટર્સ, દવાવાળા કે શાકવાળા પણ ફિક્સ જ હોય છે અને તેમની સેવાનો તેઓ ઉપયોગ કરે છે.’

પ્રોફેસર જણાવે છે, ‘કિન્નરો આધ્યાત્મિકતા વધુ ધરાવે છે. તેઓ દરેક શુભ પ્રસંગમાં હાજરી આપવાનો પ્રયાસ કરતા હોય છે, જેમ કે લગ્ન પ્રસંગ, બાબરી, જનોઈ કે પછી કોઈને ત્યાં બાળક જન્મ્યું હોય તો કિન્નરો ત્યાં જઈને બહુચર મા તરફથી આશીર્વાદ આપે છે અને જે કંઈપણ પૈસા મળે એ ખુશી-ખુશી શુકન પેટે સ્વીકારી લે છે. તેમની આખી ટીમ હોય છે. પહેલા ગુરુ હોય છે પછી ચારથી પાંચ કિન્નરોનું ગ્રુપ હોય અને છેલ્લે તેમના વર્કર્સ હોય છે. અલગ અલગ એરિયામાં જઇ હોસ્પિટલ તથા અન્ય કચેરીઓમાં જઈને કયા ઘરમાં બાળકનો જન્મ થવાનો છે? કોને ત્યાં લગ્ન પ્રસંગો છે, એવી બધી માહિતી લઈને વ્યવસ્થિત રીતે એનો સંગ્રહ કરે છે. આ ડેટાના આધારે કિન્નરો જે-તે વ્યક્તિના ઘરે જાય છે. કિન્નોરોને અલગ અલગ કોડ નંબરો પણ આપેલા હોય છે. એ દરેકનું નામ હોય છે, નામની સાથે કોડ નંબર દરેક ઘર પર લખે છે, જેથી કરીને ભૂલેચૂકે બીજો કિન્નર અથવા બીજા એરિયાનો તેમનો માણસ ત્યાં આવે તો કોડ નંબર જોઈને સમજી જાય છે કે આ ઘરનું કામ થઈ ગયું છે અથવા મારે અહીં નથી આવવાનું.’

વિદ્યાર્થિની ઝરણાએ એમ પણ કહ્યું હતું, ‘એક મહત્ત્વની વાત છે કે ગુજરાતમાં કિન્નરોની દફનવિધિ માટે સ્મશાન ઓછાં જોવા મળે છે. ગુજરાતમાં સુરત, વડોદરા જેવાં શહેરોમાં ક્યાંક એક-બે સ્મશાન છે, જ્યારે અમદાવાદમાં એકપણ સ્મશાન નથી. હાલ અમદાવાદના કિન્નરો સાબરમતી નદી બાજુ દફનવિધિ કરે છે. ત્યાં પણ ઝાડી ઝાંખરા અને રિવરફ્રન્ટને કારણે મુશ્કેલી આવે છે. માટે અમદાવાદમાં કોઈ કિન્નર મૃત્યુ પામે તો 100-150 કિમી દૂર ઊંઝા, મહેસાણા, પાલનપુર, સિદ્ધપુર જેવાં સ્થળોએ દફનવિધિ કરવા માટે જવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *