ગુજરાત

સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ, હજી પણ આગામી 5 દિવસોમાં આ જિલ્લાઓ થશે પાણી પાણી…. જુઓ લિસ્ટ

સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ, હજી પણ આગામી 5 દિવસોમાં આ જિલ્લાઓ થશે પાણી પાણી…. જુઓ લિસ્ટ,ગુજરાતમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દ્રારકા તેમજ વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે.આગામી 5 દિવસ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી.આગામી 5 દિવસ માછીમારોને દરિયામાં ન જવા તંત્ર દ્વારા સૂચન.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી.

રાજ્ય (Gujarat) માં વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 5 દિવસ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે.

રાજ્યમાં વલસાડ, સુરત, દાદર નગર હવેલી, સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં મધ્યમ વરસાદ રહેશે. જ્યારે અમદાવાદમાં આજે સાંજ સુધીમાં સારો એવો વરસાદ પડી શકે છે. સાથે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયામાં ન જવા પણ સૂચન કર્યું છે.

તમને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. સૌથી વધુ 8 ઇંચ વરસાદ રાજકોટના જામકંડોરણામાં પડ્યો છે. જ્યારે કપરાડામાં 6 ઇંચ, ઉપલેટામાં સાડા ચાર ઇંચ, વાપીમાં સાડા 4 ઇંચ, લોધિકામાં 4 ઇંચ વરસાદ, ખેરગામ અને માંડવીમાં 4-4 ઇંચ વરસાદ, ભેસાણ, સુત્રાપાડા અને મેંદરડામાં સાડા 3 ઇંચ વરસાદ વરસ્યો.

જ્યારે પારડી, વલસાડ, ઉના, ગણદેવી અને ધરમપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. કોટણા, સાંગાણી, નવસારી અને ગીર ગઢડામાં 2.5 ઇંચ વરસ્યો. જ્યારે તળાજા, માળિયા, સંતરામપુર અને મહુવામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. જ્યારે વિસાવદર, કુતિયાણા અને વડગામમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો.

ગુજરાતમાં છેલ્લાં 2-3 દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવી દીધી. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસતા પ્રાચીતીર્થનું પ્રસિદ્ધ માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. સરસ્વતી નદીમાં નવા નીર આવતા પૂજારીએ નવા નીરના વધામણા કર્યા છે. સરસ્વતી નદીમાં સિઝનનું પહેલું પૂર આવતા ગ્રામજનો નદીનો નજારો જોવા ઉમટી પડ્યા.

એ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસતા પાણીના ધસમસતા પ્રવાહમાં ગાયો તણાઇ ગઇ છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં પૂરના પાણીમાં 5 ગાયો તણાતી જોવા મળે છે. ઉગમણાબારા ગામથી વચલા બારાના રસ્તા પર કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં ગાયો પાણીમાં તણાતી જોવા મળી રહી છે.

રાજકોટમાં આજે શહેરના સેન્ટ્રલ ઝોનમાં ધીમી ગતિએ મેઘરાજાનું આગમન થયું છે. એકાએક વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે. શહેરના હોસ્પિટલ ચોક, જામનગર રોડ, રેલનગર, શાસ્ત્રી મેદાન અને યાજ્ઞિક રોડ ઉપર વરસાદ મન મૂકીને વરસ્યો. રાજકોટ-જૂનાગઢ હાઇવે પર ભારે વરસાદ વરસતા વાહનચાલકોએ ભારે પરેશાન થવાનો વારો આવ્યો છે. ગોંડલથી છેક જૂનાગઢ જવાના હાઈવે પર વરસાદે રમઝટ બોલાવતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં.

બીજી બાજુ જેતપુરના ધોરાજી અને ઉપલેટા તાલુકા સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદે રમઝટ બોલાવી. સતત 6 દિવસથી અવિરત વરસાદ વરસતા રોડ પરથી પાણી વહેતા થઇ ગયા છે.
ખેડૂતો તેમજ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *