મનોરંજન વાયરલ

અંજલિભાભી ને પૈસા ન મળ્યા ના આરોપમાં આસિત મોદી એ કર્યો વળતો પ્રહાર…

અંજલિભાભી ને પૈસા ન મળ્યા ના આરોપમાં આસિત મોદી એ કર્યો વળતો પ્રહાર…,ટેલિવિઝન પરની સૌથી લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી ખોટા ન્યૂઝ માટે વિવાદમાં આવી રહી છે. એક બાજુ એક પછી એક કલાકારો આ સિરિયલને અલવિદા કહી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ‘અંજલિ તારક મહેતા’ની ભૂમિકા ભજવી ચૂકેલી અભિનેત્રી નેહા મહેતાએ સિરિયલ પર પોતાનું મહેનતાણું દબાવી રાખવાનો આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી.

એન્ટરટેનમેન્ટ પોર્ટલ ‘ઈટાઇમ્સ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નેહા મહેતાએ સિરિયલના મેકર્સ પર આરોપ મૂક્યો કે એણે આ શો 2020માં છોડ્યો હતો. એ વાતને બે વર્ષ વીતી જવા છતાં છેલ્લા છ મહિનાની ફી તેને હજુ સુધી આપવામાં આવી નથી.આ મુલાકાત પ્રકાશિત થઈ અને સોશિયલ મીડિયામાં એ વિશે ચર્ચાઓ ચાલુ થઈ કે તરત જ સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીનું સત્તાવાર રિએક્શન પણ આવી ગયું.

અસિત મોદીએ પોતાની કંપની ‘નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રા. લિ.’ વતી સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું કે, ‘અમારા કલાકારોને અમે અમારો પરિવાર ગણીએ છીએ. એક્ઝિટ ડોક્યુમેન્ટ્સ સાઇન કરવા માટે અને કંપની પોલિસી પ્રમાણે ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ કરવા માટે અમે અનેકવાર નેહા મહેતાનો સંપર્ક કર્યો. પરંતુ એમણે છેલ્લાં બે વર્ષથી અમારી સાથેનું તમામ કમ્યુનિકેશન બંધ કરી દીધું અને અમને મળ્યાં વિના જ શો છોડી દીધો. અમે આશા રાખીએ છીએ કે જે શોએ તેમને 12 વર્ષની કરિયર અને પ્રસિદ્ધિ અપાવી છે તેના મેકર્સની સામે ખોટા આરોપો કરવાને બદલે તેઓ અમારા મેઇલ્સ અને કમ્યુનિકેશન્સનો જવાબ આપે. તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાનો અધિકાર અમે સુરક્ષિત રાખીએ છીએ.’

શો છોડવા અંગે નેહા મેહતાએ કહ્યું હતું, ‘એક સમયે મને એવું લાગ્યું કે બસ મારે અહીં અટકવું જોઈએ. દરેક લોકો કહેતા હોય છે કે થોડી બાબતો ચલાવી લેવી જોઈએ, આખરે શો ટીમવર્કથી બને છે અને દરેકનો એમાં ફાળો હોય છે. જોકે આ વાત સિવાય એક્ટિંગના ફિલ્ડમાં મારું એક અલગ માન-સન્માન છે. મેં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલાં પણ ઘણું જ કામ કર્યું છે. એવું નથી કે ‘તારક મેહતા..’એ મને સેલિબ્રિટી બનાવી હોય, પરંતુ સાચી વાત એ હતી કે ‘તારક મેહતા’માં એક સેલિબ્રિટી કામ કરતી હતી. એક ભણેલી-ગણેલી તથા ભાવુક વ્યક્તિ હોવાને નાતે મેં આ અંગે ઘણું જ વિચાર્યું હતું. આ શો મને નિયમિત રીતે કામ તથા પૈસા આપતો હતો. કેટલીક બાબતો દરેક જગ્યાએ બનતી હોય છે અને તમારે તમારી જાત સાથે શાંતિ રાખવી પડે છે. જોકે તેમ છતાંય મને લાગ્યું કે આ સમયે હવે મારે અટકવાની જરૂર છે અને મેં સાચો નિર્ણય લીધો હતો.’

નેહા હજી સુધી અન્ય શોમાં જોવા મળી નથી, આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું કે તે સારી ઑફર્સની રાહ જુએ છે. ટીવી ઘણું જ સારું માધ્યમ છે અને આ માધ્યમે તેને ઘણું આપ્યું છે. તેણે 12 વર્ષ સુધી એક શોમાં કામ કર્યું હતું અને તે તરત જ બીજા શોમાં કામ કરવા તૈયાર નહોતી.

તે નવા કોન્સેપ્ટ્સ તથા પોતાના પ્રોડક્શન હાઉસ પર ફોકસ કરે છે. તેને આશા છે કે તે ટૂંક સમયમાં વેબ શોમાં કામ કરશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ નેહાએ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. નેહાની ગુજરાતી ફિલ્મ ‘હલકી ફુલકી’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી.

છેલ્લાં 14 વર્ષથી ચાલતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાંથી છેલ્લા થોડા સમયમાં ઘણા કલાકારોની એક્ઝિટ થઈ છે. 2020માં અંજલિ તારક મહેતાનો રોલ ભજવતી નેહા મહેતાએ આ શો છોડ્યો. તેને સ્થાને અભિનેત્રી સુનૈના ફોજદાર આ ભૂમિકામાં ગોઠવાઈ. હવે સમાચાર આવ્યા છે કે ‘તારક મહેતા’ની ભૂમિકા ભજવતા શૈલેષ લોઢાએ પણ આ શોને અલવિદા કહી દીધું છે. ચર્ચા ચાલી રહી છે કે સિરિયલમાં નવા ‘ટપુ’નું પાત્ર ભજવતા રાજ અનડકટે પણ આ શો છોડી દીધો છે.

‘દિવ્ય ભાસ્કર’ના વાચકો જાણે જ છે કે સિરિયલમાં ‘દયાભાભી’નું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણી પોતાનાં લગ્ન પછી 2017થી આ સિરિયલમાં દેખાઈ નથી. અનેકવાર તેમના પુનરાગમનની અટકળો અને ચર્ચાઓ પછી હવે એમના બીજા સંતાનના આગમન બાદ સિરિયલમાં એમની રિએન્ટ્રી પર લગભગ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને દયાબેનના રોલમાં નવી અભિનેત્રીનાં ઓડિશન શરૂ થઈ ગયાં છે. વચ્ચે વાત આવી હતી કે નેવુંના દાયકાની સિરિયલ ‘હમ પાંચ’માં ‘સ્વીટી’નું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી રાખી વિજન નવી ‘દયાબેન’ બનશે. પરંતુ ખુદ રાખીએ ખંડન કરતાં આ વાત માત્ર અફવા સાબિત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *