મેઘરાજાની મહેર: ગુજરાતમાં હવે જામશે રંગ, જાણો ક્યાં ક્યાં વરસશે મેહુલયો,ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બરાબર ચોમાસું જામી ગયું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદની આગાહી કરી છે. સાથે દાદરા નગર હવેલીમાં પણ સાર એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ સારા વરસાદની આગાહી કરાઇ છે. આથી ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા અંગેની સૂચના અપાઇ છે. જો કે, બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાવાસીઓએ હજુ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.
ગઇકાલે પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. ત્યારે અહીં જોઇશું કે ગઇકાલે મેઘરાજાએ રાજ્યના કયા-કયા વિસ્તારોમાં ધડબડાટી બોલાવી?ચીખલીમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો.
ખૂંધ સહિતના અનેક વિસ્તારોમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. વાવણી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં હરખની હેલી પણ વહી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.જામરાવલમાં મોડી સાંજે પવનના સુસવાટા સાથે મેઘ મહેર થઈ છે.
માંગરોળમાં તોફાની પવનથી નુકસાન થયુંતો બીજી તરફ જૂનાગઢના માંગરોળમાં તોફાની પવનથી ભયંકર નુકસાન થયું છે. બંદર રોડ પર આવેલ કંપનીઓમાં લાખોની વખરી પવનને કારણે નાશ પામી છે. ફાઇબર કંપનીઓમાં બનતી બોટ અને ફર્મા તૂટી પડ્યા.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકાઓમાં વરસાદ વરસ્યો
શરૂઆતમાં મેઘાએ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મહેર વરસાવી છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો રાજ્યના 98 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ગોંડલ , પોરબંદરના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મનમુકીને વરસાદ વરસ્યો છે. જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાવણી લાયક વરસાદ વરસવાથી ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે.
જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ
ખાંભામાં પોણા 3 ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ
સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ
કવાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ વરસાદ
બોડેલીમાં સવા ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ વરસાદ
નખત્રાણામાં સવા ઈંચ, મહુવામાં 1 ઈંચ વરસાદ
વડિયામાં 1 ઈંચ, ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો