ભારત અને પાકિસ્તાનના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને બાબર આઝમ 2023માં સાથે રમતા જોવા મળી શકે છે. 2023 IPL પછી આફ્રિકા અને એશિયા XI વચ્ચે શ્રેણી રમવાની છે.
શ્રીલંકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ પણ એશિયા ઈલેવન તરફથી રમતા જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ શ્રેણી રમાતી નથી. તેમ જ પાકિસ્તાની ખેલાડીઓ IPLમાં રમતા નથી. આવી સ્થિતિમાં બંને દેશોના ખેલાડીઓને એકસાથે રમતા જોવા ચાહકો માટે એક અલગ જ અનુભવ હશે.
અગાઉ 2007માં એશિયા અને આફ્રિકા XI વચ્ચે 3 મેચની શ્રેણી રમાઈ હતી. આ સિરીઝ એશિયા XI એ 3-0 થી જીતી હતી. તે સમયે મહેન્દ્ર સિંહ ધોની, મોહમ્મદ આસિફ, યુવરાજ સિંહ, મોહમ્મદ યુસુફ જેવા સ્ટાર ખેલાડીઓ સાથે રમતા જોવા મળ્યા હતા. તે જ સમયે, મોર્ને મોર્કેલ, એબી ડી વિલિયર્સ અને સ્ટીવ ટીકોલો આફ્રિકા XI માટે એકસાથે રમ્યા હતા, પરંતુ તે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય મુદ્દાઓને કારણે શ્રેણી ફરીથી રમી શકાઈ ન હતી.
2023માં યોજાનારી શ્રેણીનું ફોર્મેટ T20 હશે. અગાઉ આ શ્રેણીનું ફોર્મેટ ODI હતું. જય શાહ અને આફ્રિકન ક્રિકેટ એસોસિએશનના નવા પ્રમુખ સુમોદ દામોદર વચ્ચે એપ્રિલ 2023માં ICC બોર્ડની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.
સુમોદ દામોદરે આ સિરીઝ વિશે કહ્યું, ‘અમે ભારત અને પાકિસ્તાનના સ્ટાર ખેલાડીઓને એશિયા XI ટીમમાં રમતા જોવાની યોજના બનાવીએ છીએ. અમે આને અંતિમ સ્વરૂપ આપવા માટે સ્પોન્સરશિપ અને બ્રોડકાસ્ટર સાથે વાતચીત કરી રહ્યા છીએ. તે એક વિશાળ ઇવેન્ટ હશે. મને ખાતરી છે કે ખેલાડીઓ એવું ઈચ્છે છે અને રાજકારણને તેનાથી દૂર રાખવું જોઈએ.
પાકિસ્તાન અને ભારતના ખેલાડીઓને એક જ ટીમમાં રમતા જોવું ખૂબ જ સારું રહેશે. આનાથી આફ્રિકાને ઘણો ફાયદો થશે. એશિયા ક્રિકેટનું પાવરહાઉસ છે. તે એક એવો સંબંધ છે જેને હું ઉત્તેજન અને વિકાસ માટે આતુર છું.