બિહારના ભોજપુરમાં છોકરીનો સળગેલો પગ લઈને એક પિતા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. પિતા રડી રડીને એક જ વાત કહી રહ્યા હતા કે મારે ન્યાય જોઈએ છે. આ થેલામાં તેનો પગ છે. બાકીનું આખું શરીર તો સાસરિયાઓએ સળગાવી દીધું હતું.
હું પોલીસને લઈને ત્યાં પહોંચું ત્યાં સુધીમાં તો તેને આખી સળગાવી દીધી હતી. તેનો માત્ર એક જ પગ બચ્યો હતો. પગની વીંટી અને ઝાંઝરાથી તેની ઓળખ કરી કે આ મારી પુત્રી મમતા છે.
આ ઘટના બરૌલી ગામની છે. સોમવારની રાતે અખિલેશ બિંદની દીકરીને તેના સાસરિયાંએ મારી નાખી હતી. પહેલા મૃતદેહને રેતીમાં દફનાવ્યો. પછીથી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવી દીધો હતો. અખિલેશ પોલીસને લઈને જ્યારે પહોંચ્યા ત્યાં સુધીમાં તો મૃતદેહ સળગી ચૂક્યો હતો.
માત્ર ડાબા પગનો થોડો ભાગ બચ્યો હતો. તેને લઈને મજબૂર પિતા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. ગુરુવારે આ પગને ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ, ગત વર્ષે મેમાં જ મમતાના લગ્ન થયા હતા. થોડા સમય પછી એક લાખ રૂપિયા બીજા લાવવાની ડિમાન્ડ થવા લાગી. સાસરિયાંનું કહેવું હતું કે છોકરો બિઝનેસ કરવા માગે છે. છોકરીના પરિવારના સભ્યોએ પૈસા ન આપ્યા તો સોમવારે મોડી રાતે પતિ શત્રુધ્ન બિંદ અને સસરા રામ પ્યારે બિંદે મમતાની હત્યા કરી દીધી હતી.
પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સારીપુર વિષ્ણુપુર ગામના સોન નદીના કિનારે દફનાવવામાં આવ્યો હતો. થોડા કલાક પછી મૃતદેહને કાઢીને સળગાવવા લાગ્યા હતા. આ દરમિયાન મમતાના પિતા પોલીસની સાથે પહોંચ્યા હતા, ત્યાં સુધીમાં તો આરોપી ફરાર થઈ ગયા હતા. શરીરનો બાકીનો ભાગ પણ સળગી ઊઠ્યો હતો. ડાબો પગ બચ્યો હતો. પોલીસે તપાસ માટે એને લઈ લીધો.
ભોજપુરના ASP હિમાશુંએ કહ્યું હતું કે મૃતદેહની ખરાઈ માટે ડીએનએ ટેસ્ટ થશે. આ માટે એને પટનાની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. જે ગાડીમાં મમતાને દફનાવવા માટે લાવવામાં આવી હતી, એના ડ્રાઈવરને લોકોએ પકડી લીધો છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
મમતા દેવીના પિતા અખિલેશ બિંદ અને મોટા મામા બિગન બિંદે જણાવ્યું હતું કે મમતાએ બે દિવસ પહેલાં પણ પોતાની માસીને જણાવ્યું હતું કે તેનો પતિ અને સસરા રામ પ્યારે એક લાખ રૂપિયા માગી રહ્યા છે. જોકે પૈસા ન હોવાના કારણે અમે આપી શક્યા નહોતા. એ પછી સાસરિયાંએ મમતાના મૃતદેહને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
મૃતદેહને સળગાવવા માટે કારને ભાડે લઈને રેતીના ઘાટ પર ગયા હતા. ત્યાં પહેલા મૃતદેહને દબાવી દીધો હતો. પછીથી ડ્રાઈવરને ભગાડી દીધો હતો. એ પછીથી સાસરિયાં મૃતદેહને રેતીમાંથી કાઢીને સળગાવી દીધો હતો.