બેંગકોકમાં રહેતા 72 વર્ષીય વ્યક્તિએ 21 વર્ષ પછી પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કર્યા. આટલા વર્ષો સુધી તે પત્નીના મૃતદેહ સાથે રહેતો હતો. 21 વર્ષ પહેલા જ્યારે આ વ્યક્તિએ તેની પત્ની ગુમાવી હતી, ત્યારે તેના માટે આઘાતમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. તેને પત્નીના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી અને તેની બોડી પોતાની પાસે રાખી. લોકોએ તેને ઘણો સમજાવ્યો પણ તેણે કોઈનું સાંભળ્યું નહીં.
72 વર્ષના ચરણ જણવાચકલની પત્નીનું મૃત્યુ 2001માં થયું હતું. તેની પત્ની પબ્લિક હેલ્થ મિનિસ્ટ્રીમાં કામ કરતી હતી. પત્નીના મૃત્યુ પછી ચરણ તેની બોડીને પોતાના ઘરમાં સ્ટોરેજ રૂમમાં એક કોફિનની અંદર રાખી હતી. તે જણાવે છે કે તે તેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે અને તેનાથી અલગ રહેવા નથી માગતો. તેથી તેને પોતાની પત્નીની ડેડ બોડીને દફનાવવાને બદલે તેને ઘરે રાખી.
ચરણે આ વર્ષે 30 એપ્રિલના રોજ પોતાની પત્નીની ડેડબોડીને દફનાવી. તેણે ફેટ કસમ બેંગકોક ફાઉન્ડેશન સાથે મળીને પત્નીના અંતિમ સંસ્કાર કર્યા. આ દરમિયાન તે ઘણો રડ્યો હતો. તેણે તેની પત્નીને બેંગ ખેન જિલ્લામાં દફનાવી. પત્નીના મૃતદેહ સાથે 21 વર્ષ સુધી રહેતા પતિને આ રીતે રડતો જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ચરણ પોતાની પત્નીની બોડીની સાથે વાતો કરતો હતો અને તેની સાથે એવી રીતે રહેતો હતો કે જાણે તે જીવિત હોય. ચરણને બે દીકરા છે, પરંતુ જ્યારે તેઓ તેમના પિતાને તેમની માતાના મૃત્યુના આઘાતમાંથી બહાર ન કાઢી શક્યા તો તેઓ છોડીને જતા રહ્યા.
હાલમાં જ ચરણનો એક મોટરસાયકલ સાથે એક્સિડન્ટ થઈ ગયો હતો. તે ઘણો ઈજાગ્રસ્ત થયો હતો. તેની સંભાળ રાખવા માટે છેલ્લા બે મહિનાથી ફાઉન્ડેશનના એક પ્રતિનિધિ તેને મળી રહ્યા હતા અને તેને ખાવાનું આપી રહ્યા હતા. તે સતત ઘરે આવી રહ્યો હતો પરંતુ તેને ક્યારેય શબપેટી તરફ ધ્યાન આપ્યું નહીં.
સ્થાનિક વકીલે તેનો સંપર્ક કરીને મુલાકાત કરી. વકીલે જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ શિક્ષિત હોવા સાથે તેની પાસે ઘણી ડિગ્રીઓ છે. પરંતુ પત્નીના અવસાન બાદથી એકદમ સાદું જીવન જીવતો હતો. તેના ઘરમાં ન તો લાઈટ છે કે ન તો કોઈ પ્રકારનો પલંગ. જોકે, પત્નીના અંતિમ સંસ્કાર કર્યા બાદ તેને ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.