‘સાસુ-વહુ’ ના સંબંધ એટલે જાણે એક જાણે ઉત્તર ધુ્રવ તો બીજું દક્ષિણ ધુ્રવ. અન્ય રીતે કહેવામાં આવે તો ભારત-પાકિસ્તાન/ચીન કે ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા જેમ સાસુ-વહુ વચ્ચે પણ નાના-મોટા છમકલાં જોવા મળે તેવી એક માન્યતા પ્રવર્તતી હોય છે. પરંતુ હવે સમયની સાથે આ માન્યતાને પણ તિલાંજલિ મળે તેવા સાસુ-વહુ વચ્ચેના હૂંફાળા સંબંધ હોય તેવા સકારાત્મક કિસ્સા આપણી આસપાસ અવાર-નવાર જોવા મળે છે.
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રહેતી ૩૧ વર્ષીય સુષ્મા તાપ્સેની બંને કિડની ૯ મહિના અગાઉ અચાનક બંધ પડી ગઇ. જેના કારણે ૯ મહિનાથી તેને ડાયાલિસિસની પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું. હવે તેના બચવા માટે તાત્કાલીક ધોરણે કિડની ટ્રાન્સપ્લાન્ટ જરૃરી થઇ ગયું હતું. સુષ્માના પરિવારના સદસ્યોએ પોતાની કિડનીનું દાન આપવાની તૈયારી દર્શાવી.
પરંતુ એકપણ સાથે તેનું મેચ મળી રહ્યું નહોતું. ‘શું મારી જીવનરેખા હવે પૂરી થવામાં છે?’ ‘મેં અને મારા પતિએ જે સ્વપ્ન જોયા છે તે પણ હવે ચકનાચૂર થઇ જશે?’ ‘મારી ત્રણ વર્ષની દીકરીનું શું થશે?’ જેવા સવાલોના ચક્રવ્યૂહ અને નિરાશાના અંધકારમાં તે ધકેલાઇ ગઇ હતી. આવા આ સમયમાં સુષ્માના સાસુ આગળ આવ્યા. તેમણે પોતાનાં પુત્રવધુને ખભે હાથ મૂકતાં કહ્યું કે, ‘બેટા, હું બેઠી છું ત્યાં સુધી તારે નિરાશ થવાની જરૃર નથી.’
ટેસ્ટ રીઝલ્ટ કરવામાં આવ્યા અને સાસુ સાથે તેના રીપોર્ટ મેચ થઇ ગયા હતા. અમદાવાદની ઈન્સ્ટિટયુટ ઓફ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી) ખાતે મધર્સ ડેના આગલા દિવસે કિડની ટ્રાન્સપ્લાન્ટની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી.ટ્રાન્સપ્લાન્ટ બાદ આંખમાં આંસુ સાથે સુષ્માએ કહ્યું કે, ‘દરેક દીકરીને મારા જેવા જ સાસુ મળે તેવી હું પ્રાર્થના કરીશ.
સાસુમા શબ્દનો ઉપયોગ શા માટે થાય છે તેનો મને આજે અહેસાસ થાય છે. કેમકે, મારા સાસુ આજે એક માની જેમ જ મારી આ મુશ્કેલ ઘડીમાં ઉભા રહ્યા અને પોતાની અમૂલ્ય કિડનીનું દાન આપીને મને નવજીવન આપ્યું છે. હું મારા સાસુનું ઋણ ક્યારેય ચૂકવી શકીશ નહીં. ‘
‘આઇકેડીઆરસીમાં ખૂબ જ ઓછા ખર્ચે અમને શ્રેષ્ઠ સારવાર મળી છે. મારા પત્ની અને પરિવારને નવજીવન આપવા બદલ હું ડોક્ટર્સ અને નર્સનો આભારી છું’ તેમ સુષ્માના પતિ અનિરુદ્ધે કહ્યું હતું. બીજી તરફ આઇકેડીઆરસી-આઇટીએસના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું કે, ‘ટ્રાન્સપ્લાન્ટની આ આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દી અને ડોનર બંનેની હાલત સુધારા પર છે. ‘