જર્મનીમાં એક ભારે વિચિત્ર કેસનો ચુકાદો આવ્યો છે. એક મહિલાને જાતીય હુમલા બદલ દોષી ઠેરવીને કોર્ટે છ મહિનાની સજા ફટકારી છે. તે પોતાના બોયફ્રેન્ડના કોન્ડોમમાં જાણી જોઇને છિદ્ર પાડી દેતી હતી! આ ચુકાદો સંભળાવતી વખતે ન્યાયાધીશે પણ સ્વીકાર્યું કે, જર્મનીના કાયદાકીય ઇતિહાસમાં આ કેસ એકદમ અજુગતો છે.
પશ્ચિમી જર્મન શહેર બાયલેફેલ્ડની પ્રાદેશિક અદાલતમાં આવેલા આ કેસની વિગતો કંઇક આવી છેઃ 39 વર્ષની એક મહિલા 42 વર્ષીય પુરુષ સાથે રિલેશનમાં હતી. બંનેની મુલાકાત વર્ષ 2021ની શરૂઆતમાં ઓનલાઇન થઈ હતી અને ત્યાર બાદ આ બંને કેઝ્યૂઅલ અને સેક્સ્યૂઅલ રિલેશનશિપમાં બંધાયાં હતાં.
ત્યાર બાદ 39 વર્ષીય મહિલાએ તેના સાથીના નાઇટસ્ટેન્ડમાં રાખેલા કોન્ડમનું પેકેટ તોડીને તેની અંદરના કોન્ડોમમાં છિદ્રો પાડ્યાં હતાં. આમ, કરીને તે તેના પાર્ટનર દ્વારા ગર્ભવતી થઈને તેને હંમેશને માટે પોતાની પાસે રાખવાની ઈચ્છા ધરાવતી હતી, પરંતુ તેનો આ પ્રયત્ન નિષ્ફ્ળ રહ્યો.
તેણે બાદમાં તેના 42 વર્ષીય પાર્ટનરને વ્હોટ્સએપ પર એક મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે એવું લખ્યું હતું કે, તેને લાગે છે કે તે ગર્ભવતી છે અને તેણે જાણીજોઈને જ કોન્ડોમમાં છિદ્ર પાડ્યાં હતાં. આ સાંભળીને ગુસ્સાથી રાતાચોળ થઇ ગયેલા બોયફ્રેન્ડે સીધી કોર્ટની વાટ પકડી અને પોતાની ગર્લફ્રેન્ડ સામે ક્રિમિનલ ચાર્જીસ લગાવી દીધા. પછી તો મહિલાએ પણ કબૂલ્યું કે તેણે તેના જીવનસાથીને ચીટ કર્યું હતું.
પ્રોસિક્યુટર્સ અને કોર્ટ સંમત થયાં હતાં કે, આ કેસમાં ગુનો આચરવામાં આવ્યો છે, પરંતુ શરૂઆતમાં તે અનિશ્ચિત હતા કે 39 વર્ષીય મહિલા સામે શું પગલાં લેવાં? ન્યાયાધીશ એસ્ટ્રિડ સાલેવસ્કીએ કોર્ટને જણાવ્યું હતું કે, ‘અમે આજે અહીં કાયદાકીય ઇતિહાસ લખ્યો છે.’ આ ગુનો બળાત્કાર આચરવા બરાબર હતો એટલે તેની પ્રથમ તપાસ કર્યા પછી ન્યાયાધીશે કેસ કાયદાની સમીક્ષા કરતી વખતે આ ઘટના માટે જાતીય હુમલાનો આરોપ યોગ્ય છે.
‘સ્ટીલ્ધિંગ’ ત્યારે કહેવાય છે જ્યારે કોઈ પુરુષ જાતીય સંભોગ દરમિયાન ગુપ્ત રીતે તેના કોન્ડોમને દૂર કરે છે અને તેના વિશે તેના જીવનસાથીને પણ ખબર નથી હોતી અને તેના માટે જાતીય હુમલાના આરોપ હેઠળ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે ત્યારે આનાથી વિપરીત પરિસ્થિતિનો પણ જાતીય હુમલાના આરોપ હેઠળ સમાવેશ કરી શકાય. સલેવસ્કીએ તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે, ‘માણસની જાણકારી અથવા તેની સંમતિ વિના કોન્ડોમને બિનઉપયોગી બનાવવામાં આવ્યા હતા, જે એક ગુનો છે.’