અમદાવાદ

અમદાવાદ ની 900 હોસ્પિટલો ને આ કારણ થી લાગી જશે તાળા! જાણો શું છે આખો મામલો

અમદાવાદમાં 450 જેટલી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ (રજિસ્ટ્રેશન) રિન્યુઅલ મુદ્દે આજે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન (AHNA) દ્વારા પત્રકાર પરિષદ કરી હતી. જેમાં ફોર્મ – સી રજીસ્ટ્રેશનમાં થઈ રહેલી સમસ્યાને કારણે અમદાવાદ શહેરમાં 450 જેટલી નર્સિંગ હોમ્સના રજીસ્ટ્રેશન અટક્યા હોવાની વાત જણાવવામાં આવી છે.

‘આહના’ એ જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તાત્કાલિક બીયુ વગર અન્ય શરતોના પાલન સાથે સી – ફોર્મનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે તેવી અપીલ કરીએ છીએ. જો આગામી શુક્રવાર સુધીમાં અમને કોઈ નિરાકરણ નહીં મળે તો 15 મેના રોજ એટલે કે આગામી શનિવારે તમામ મેડિકલ ફેસિલિટી અમદાવાદ શહેરમાં બંધ કરવા મજબૂર બનીશું.

‘આહના’ દ્વારા મેડિકલ બંધ, રેલી – ધરણાં, ફૂટપાથ પર ઓપીડી જેવા કાર્યક્રમો યોજી વિરોધ દર્શાવીશું. ઓક્ટોબર 2021 થી સી – ફોર્મ માટે એએમસી દ્વારા બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતા શહેરની 450 નર્સિંગ હોમ્સને તાળા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

‘આહના’ના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવીએ કહ્યું હતું કે, 1949 થી 2021 સુધી રજીસ્ટ્રેશન માટે જરૂરી તમામ દસ્તાવેજો જમા કરાવતા રહ્યા છીએ પરંતુ આ વખતે બીયુ પરવાનગી ફરજિયાત કરી દેવાતા સમસ્યા પેદા થઈ છે. નર્સિંગ હોમ્સને રજીસ્ટ્રેશન તેના સ્ટાફની લાયકાત તેમજ ડોક્ટર્સના ક્વોલીફીકેશનની ચકાસણી બાદ આપવામાં આવતું હોય છે, જેના માટે ક્યારેય બીયુ પરમિશનની જરૂરિયાત ઊભી કરવામાં આવી ન હતી.

તેમણે ઉમેર્યું હતું કે, શહેરની 80% આરોગ્ય સુવિધાઓ નર્સિંગ હોમ્સ તેમજ નાની હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવે છે જેમના અસ્તિત્વ સામે આજે જોખમ સર્જાયું છે. અમદાવાદમાં અન્ય સેવાઓ માટે આવા રજિસ્ટ્રેશનની જરૂર હોતી નથી. રેસ્ટોરન્ટ માટે આવા નિયમો કોરાણે મૂકી મંજૂરી આપવામાં આવે છે. ફક્ત નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ્સ માટે જ આવા કાયદાની ગૂંચ ઊભી કરવામાં આવી રહી છે. જો શહેરમાં 450થી વધુ નર્સિંગ હોમ્સ બંધ થાય તો આગામી દિવસમાં આરોગ્ય સેવાઓ મોંઘી બનશે.

‘આહના’ના સેક્રેટરી ડોક્ટર વિરેન શાહે કહ્યું કે, અધિકારીઓ દ્વારા બીયુ પરમિશન મામલે કોઈ સાંઠ – ગાંઠ થઈ હોવાનું લાગે છે. જેના કારણે અમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે, જેમની પાસે ફાયર NOC ના હોય એવી હોસ્પિટલ બંધ કરવામાં આવે એમાં અમને વાંધો ન હોઈ શકે, પરંતુ બીયુને લઈ હોસ્પિટલને હેરાનગતિ કરાઈ રહી છે જે યોગ્ય નથી.

સતત બદલાઈ રહેલા નિયમોને કારણે આજે અમને સમસ્યા થઈ રહી છે, સરકાર આનો ઉકેલ લાવે, જેથી ભવિષ્યમાં સમસ્યાઓ ઊભી ના થાય અને સૌ કોઈ કાયદા મુજબ પોતાની કામગીરી કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *