નરેશ પટેલ જશે દિલ્લી, આ પાર્ટી ના દિગગજ નેતા સાથે આ બાબતે કરશે ફાઇનલ મિટિંગ

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકીય ભાવિનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. આ વચ્ચે નરેશ પટેલ સાથે જોડાયેલી સૌથી મોટી ખબર સામે આવી છે. નરેશ પટેલ આવતીકાલે સવારે 9 વાગ્યે રાજકોટથી દિલ્હી જવા રવાના થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નરેશ પટેલ દિલ્હીમાં કોંગ્રેસ મોટા નેતાઓને મળશે.
નરેશ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે બેઠક યોજી શકે છે. નરેશ પટેલના કોંગ્રેસ આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ દિલ્હી પહોંચીને નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કરી હતી. તો કોંગ્રેસમાં ટૂંક જ સમયમાં નવાજૂની થવાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે.
આજે ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે આહીર સમાજની મિટિંગ મળી હતી. આ મિટિંગ બાદ નરેશ પટેલે કહ્યું હતું કે, આહિર સમાજના આગેવાનો ઈચ્છી રહ્યા છે કે, રાજકારણમાં જોડાવું જોઈએ. નરેશભાઈ પટેલ રાજકારણમાં જાય તો આહિર સમાજ તેની સાથે છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે આજે ફાઇનલ બેઠક કરશે. નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળોનો અંત આવી શકે છે. થોડા દિવસોમાં નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.
થોડા દિવસ અગાઉ જ નરેશ પટેલે રાજનીતિને લઇને કહ્યું હતું કે, આગામી દિવસોમાં રાજનીતિમાં જોડાઇશ. હું એક સામાજિક કાર્યકર્તા છું. રાજનીતિમાં જોડાવા અનેક સમીકરણો ધ્યાને લેવા પડે. હું એ પક્ષમાં જોડાઇશ, જે સમાજ માટે કામ કરશે, લોકો માટે કામ કરશે. પ્રશાંત કિશોરનો નિર્ણય તેમનો અંગત નિર્ણય હોઇ શકે.
મહત્વનું છે કે, જામનગરમાં ભાગવત કથામાં નરેશ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે જોવા મળ્યા હતા. જોકે નરેશ પટેલે આ અંગે કહ્યું કે, CR પાટીલ સાથે કોઈપણ મુદ્દે ચર્ચા નથી થઈ. આ અગાઉ તેઓ વરૂણ પટેલ, અલ્પેશ ઠાકોર સાથે પણ જોવા મળ્યા હતા.
બીજી તરફ રાજનીતિના સલાહકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ઠુકરાવી દીધી હતી. ત્યારે હવે નરેશ પટેલ ટુંક સમયમાં જ રાજનીતિમાં પ્રવેશ કરી લે તેવી પૂર્ણ શક્યતાઓ છે. તેઓ કઇ પાર્ટીમાં જોડાશે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.