‘બધું લઈ લેવું છે કંઈક તો આપવાનું રાખો’ જાણો નીતિન પટેલ એ કેમ કહ્યું આવું

0

લાલ દરવાજા ટર્મિનસથી થોળ ગામ (સરદાર ચોક) સુધી કુલ 5 AMTS બસ સેવામા કાર્યરત કરવામાં આવી છે. આ ૩૦ કિલોમીટરના રૂટ ઉપર યાત્રિકોને ૩૫થી ૪૦ મિનિટે બસ ઉપલબ્ધ બનશે. મુસાફરો માટે ટિકિટની કિંમત લઘુતમ ૦૩ રૂપિયા અને મહત્તમ ૨૦ રૂપિયા પ્રારંભિક તબક્કે રાખવામાં આવી છે. અમદાવાદ શહેરની ભાગોળે આવેલા અગત્યનાં સ્થળો, ગ્રામ્ય વિસ્તારો સુધી AMTS બસ સુવિધા સરકારે ઉપલબ્ધ બનાવી છે. ત્યારે આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નીતિન પટેલે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. જોકે સામે બેઠેલા લોકોએ ધીમા અવાજે નારો લગાવતા નીતિન પટેલે રમૂજ કરતા કહ્યું કે, આ બસ અમદાવાદથી અહીં આવે તો અહીંનો અવાજ અમદાવાદ લાલ દરવાજા જવો જોઈએ. બધુ લેવામાં માનો છો, આપવાનું પણ કંઇક કરો થોડું.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે થોળ ગામ તેના ગાયકવાડ સરકારમાં બંધાયેલા તળાવના કારણે પક્ષીપ્રેમીઓ સહિત તમામ લોકોમાં પર્યટનસ્થળ તરીકે લોકપ્રિય બની ગયું છે. થોળ ગામના વિકાસમાં સરદાર વલ્લભભાઈ પટેલનો પણ ફાળો રહેલો છે.

તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે આ બસસેવા શરૂ થવાની સાથે જ થોળ ગામ સહિત આસપાસના ગ્રામજનોને અમદાવાદ જવામાં ખૂબ જ સરળતા રહેશે. થોળ ગામ અને અમદાવાદ વચ્ચે વિકાસના કારણે અંતર પણ દિવસે દિવસે ઘટી ગયું છે. આગામી સમયમાં થોળ મિનિ અમદાવાદ બની જશે એવું પણ તેમણે ઉમેર્યું હતું

તેમણે જણાવ્યું હતું કે થોળ તળાવ પક્ષી અભયારણ્ય માટે જાણીતું છું. આ પક્ષી અભયારણ્યનો લાભ પક્ષીવિદો-પક્ષીપ્રેમીઓ સાથે પ્રવાસીઓ પણ મેળવી રહ્યા છે. થોળના વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે આ ગામના વિકાસમાં સરદાર પટેલ સાહેબનો ફાળો છે.

AMTS બસ સુવિધા દ્વારા આવરી લેવાતા ડભોડા હનુમાન મંદિર, અડાલજ ત્રિમંદિર, લાંભા ગામ જેવા મહત્વના સ્થળોની યાદીમાં થોળ ગામનું નામ પણ હવે ઉમેરાયું છે. AMTS દ્વારા અમદાવાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ૮૦ લાખની વસ્તીને સિટી બસ સેવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

AMTS અને BRTS બંને મળીને ૯૫૦ જેટલી બસો દ્વારા નાગરિકોને પરિવહનની સુવિધા પૂરી પાડવામા આવે છે. AMTS દ્વારા કુલ ૧૩૪ રૂટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. દરરોજ આશરે ૩.૪૭ લાખ પ્રવાસીઓ સેવાઓનો લાભ મેળવે છે. માત્ર એટલું જ નહીં BRTSની કુલ ૩૭૦ બસ પૈકી ૨૦૦ જેટલી ઇલેક્ટ્રીક બસનું સંચાલન પણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed