ગુજરાત

પાટીદારો ની જડ એવા સરદાર પટેલ ની કર્મભૂમિ ‘રાસ’ ગામને લઈને શરૂ થયું આ વિશેષ અભિયાન…. જાણો અહીં

આણંદ જિલ્લાના ઐતિહાસિક રાસ ગામને તાલુકાનો દરજજો અપાવવા માટે આગેવાનો પહેલ કરશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ ઈતિહાસમાં બોરસદ તાલુકાના રાસ ગામનું વિશેષ યોગદાન નોંધાયેલું છે. તદ્ઉપરાંત રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીની દાંડીયાત્રા દરમિયાન રાસ ગામેથી સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડની ઘટના સંદર્ભે સ્વાતંત્રય સંગ્રામ ઈતિહાસમાં અંકિત થયેલ છે.

રાસ ગામને તાલુકા મથક બનાવવા તેમજ અલગ સંભવિત તાલુકા પંચાયતની રચના માટે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત રાસ ગામના પુર્વ સરપંચ ઠાકોરભાઈ પટેલ (વકીલ) સહિત પંથકના આગેવાનો દ્વારા વિશેષ અભિયાન શરૂ કરાયું છે.

બોરસદ તાલુકા પંચાયતના કાર્યક્ષેત્રમાં 65 ગામનો સમાવેશ થયો છે. તાલુકાના મહત્તમ ગામો બોરસદ તાલુકા મથકથી 20થી 25 કિલોમીટરના અંતરે આવેલાં છે. ૩૦થી 32 જેટલા ગામોને સંકલિત કરીને અલગ તાલુકા પંચાયત બનાવીને રાસને વડું મથક તરીકે સ્વીકારાય તો માત્ર 10થી 12 કિલોમીટરના અંતરે જ તાલુકા પંચાયત સંબંધિત વહીવટી કામગીરી સહિત રોજિંદા કામકાજમાં સરળતા રહે છે.

અલગ તાલુકા પંચાયતના વિશેષ અભિયાનના પ્રારંભરૂપે ૩૦ ઉપરાંત ગામોના સરપંચો, તાલુકા પંચાયત સભ્યો અને આગેવાનોને વિશેષ જાણકારી સમર્થનને સંભવિત લાભો અંગે માહિતી માટે આમંત્રિત કરવાનું પણ આગામી દિવસોમાં આયોજન કરાયું છે.

પરંતુ સમય સંજોગોને લઈ રાસ ગામના આગેવાનોની આ માંગ માત્ર કાગળ ઉપર જ રહી જવા પામી હતી. ત્યારે વધુ એક વખત રાસ ગામને અલગ તાલુકાનો દરજ્જો આપવા માંગ ઉઠી છે. ત્યારે જોવું રહ્યું રાસ ગામના લોકોની લાગણી સાથે જોડાયેલ આ માંગણી ક્યારે પુરી થાય છે.

રાસ ગામ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ હોવા છતાં સરદાર પટેલના ઐતિહાસિક સંસ્મરણો ધરાવતા આ ગામનો છેલ્લા ઘણાં વર્ષોથી વિકાસ ન થયો હોવાની પણ ફરિયાદો થઇ રહી છે. રાસ ગામની હાઈસ્કૂલમાં સરદાર પટેલની યાદના પ્રતિકસમા ઐતિહાસિક વલ્લભ વડ આવેલો છે.

આ વડ નીચે મહાત્મા ગાંધીની દાંડીકૂચની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા લોકજાગૃતિ માટેનું કાર્ય કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન તા.7મી માર્ચ, 1930માં બ્રિટીશ સરકાર દ્વારા સૌપ્રથમ વખત સરદાર પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

આ બનાવને પગલે 9 વર્ષ સુધી રાસ ગામ દ્વારા સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ છોડીને દેશ માટે આગવું બલિદાન આપવામાં આવ્યું હતું. સરદાર પટેલની સ્મૃતિ એવા ઐતિહાસિક વલ્લભ વડની આજે પણ કોઈ વિકાસ થયો નથી. જો કે આ ઐતિહાસિક વડની યાદગીરી તેમજ જે-તે વખતના સંસ્મરણો રાસ કેળવણી મંડળના મંડળ દ્વારા સાચવવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *