ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપ ની સૌથી મહત્વપૂર્ણ બેઠક…. ગુજરાત વિધાનસભાની ચુંટણીના આગમન અગાઉ જ ભાજપ-કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ રાજકીય વાઘા સજાવી લીધા છે. ગુજરાતનો ગઢ જીતવા તમામ પક્ષો એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે તેવા સંજોગો વચ્ચે આજે સાંજે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપની સૌથી મહત્વપૂર્ણ બેઠક અમદાવાદમાં RSS ભવન ખાતે યોજાશે. જેમાં મુખ્યપ્રધાન, પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ સહિતના દિગ્ગજ નીતાઓ હાજરી આપશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીના જામતા માહોલ વચ્ચે આજે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મણીનગર હેડગેવાર ભવન ખાતે આયોજીત આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને આરએસએસના ગુજરાતના આગેવાનો અને રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. વર્ષમાં બે વખત સંઘ અને ભાજપની સમન્વય બેઠક મળતી હોય છે.જેના ભાગરૂપે આયોજન કરાયું છે.
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઈને ભાજપ- કોંગ્રેસ સહિત તમામ રાજકિય પક્ષોમાં ગતિવિધિઓ તેજ થઇ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ મહત્વની બેઠકમાં ચૂંટણીલક્ષી સંગઠનાત્મક કાર્યો અંગે પણ ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. વધુમાં વિધાનસભા સીટ વિસ્તાર પ્રમાણે વિસ્તારકોને જવાબદારી સોંપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.