વાળની માવજત અને લાંબા વાળ માટે કરોડો રુપિયાના શેમ્પુઓ, તેલ અને ઔષધો વેચાય છે. મહિલાઓ વાળની માવજત માટે હેર ટ્રીટમેન્ટ પણ કરે છે પરંતુ એક ગામ એવું છે જે ગામની તમામ મહિલાઓના વાળ શરીરની લંબાઇ કરતા વધારે છે.
સરેરાશ 5 થી 7 ફૂટ જેટલા લાંબા વાળ જોવા મળે છે. આ ગામ ચીનમાં આવેલું છે તેનું નામ હુઆંગલુઓ છે. આ ગામ દક્ષિણ ચીનમાં આવેલા ગુઇલિન સિટીથી 80 કિમી દૂર આવેલું છે. એક મહિલાના માથાના વાળનું વજન 1 થી 1.5 કિલો કરતા પણ વધારે છે.
લાંબા વાળ ધરાવતી મહિલાઓ યાઓ નામથી મશહૂર છે. આ ગામની 400 જેટલી મહિલાઓએ લાંબા વાળ માટે સમગ્ર દુનિયામાં ધ્યાન ખેંચ્યું છે. કયારેય પોતાના વાળ કપાવતી નથી એટલું જ નહી વાળ ખરે નહી તેની કાળજી પણ રાખે છે. વાળ પૂર્વજો સાથે જોડાયેલા રહેવાનું માધ્યમ હોવાનું માને છે. વાળ કાપવાથી પૂર્વજો નારાજ થાય છે એવી પણ માન્યતા છે.
મહિલાઓ લાંબા અને કુદરતી કાળા વાળ માટે માર્કેટમાં વેચાતી કોઇ પણ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતી નથી. પોતાના વાળની સાર સંભાળ માટે જાતે જ શેમ્પુ બનાવે છે. આ શેમ્પુ ચા અને વિવિધ વનસ્પતિઓ માંથી બનાવે છે.
અવિવાહિત મહિલાઓ વાળના રક્ષણ માટ સ્કાર્ફ બાંધે છે.જયારે વિવાહિત મહિલાઓ માથાની ઉપર વાળ બાંધવા અંબોળો લે છે. ગામની નજીક આવેલા ઝરણાના પાણીથી વાળ ધૂવે છે. આ પાણીથી જ વાળ સારા રહેતા હોવાનું પણ મનાય છે.