ટ્વિટરમાં 27મી એપ્રિલે યુનિફોર્મ સિવિલ કોડ ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યું છે, હવે આગ વગર તો ધુમાડો ઉઠે નહીં, તો શું મોદી સરકાર ગુજરાતની ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ લાવી દેશે?
નોંધનીય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીઓમાં ધારા 370, ભગવાન શ્રી રામ મંદિરની સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવવામાં આવતો રહ્યો છે, એવામાં મોટા વાયદાઓમાં હવે સમાન નાગરિક સંહિતા જ લાગુ કરવાની બાકી રહે છે.
ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ લખનૌમાં મોટું નિવેદન આપ્યું હતું કે વિપક્ષ સાથ આપે કે નહીં, કાયદો તો આવીને જ રહેશે. ભાજપ શાસિત રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અમિત શાહનું નિવેદન
મીડિયા અહેવાલો અનુસાર ગૃહમંત્રી અમિત શાહે પોતે ભોપાલની મીટિંગમાં ભાજપ નેતાઓને જણાવ્યું છે કે રામ મંદિર, ટ્રિપલ તલાક, CAA, ધારા 370 પર નિર્ણય લેવાઈ ગયા છે અને હવે યુનિફોર્મ સિવિલ કોડનો વારો છે.
PM મોદીનું નિવેદન
PM મોદીએ ક્યાંય યુનિફોર્મ સિવિલ કોડનું નામ નથી લીધું પણ 26 એપ્રિલે તેમનું એક સૂચક નિવેદન ખૂબ ચર્ચાયું. PM મોદીએ કહ્યું હતું કે આપણાં બધાની એક જ જાતિ છે ભારતીયતા, આપણાં બધાનો એક ધર્મ છે સેવા ધર્મ. આપણાં બધાના એક જ ઈશ્વર છે, મા ભારતી.
ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મુદ્દા રામ મંદિર અને CAAની અસર યુપીમાં જોવા મળી હતી પણ ગુજરાતમાં નહીં થાય કારણ કે 2019 પછી આ મુદ્દા હવે જૂના થઈ ગયા છે. ગુજરાતમાં ચોક્કસ હિન્દુત્વના નામે વોટ પડે છે અને એવામાં યુનિફોર્મ સિવિલ કોડ જો પાસ થઈ જાય તો ભાજપને ચૂંટણીમાં ઘણા મુદ્દાઓમાં સરળતા રહે અને જે મુદ્દા ભાજપને નુકસાન કરી શકે તેમ છે તેના પરથી ધ્યાન પણ હટી જાય.
AAP ગુજરાતમાં ભાજપને મોટો ચેલેન્જ આપી શકે તેમ છે પણ કોઈ એક એવો મોટો મુદ્દો જો ચૂંટણીમાં ચગાવવામાં આવે તો વોટોનું ધ્રુવીકરણ ભાજપ તરફી થઈ શકે. આટલું જ નહીં, લોકોમાં એક મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે ભાજપે જેટલા વાયદા કર્યા હતા તે તમામ પૂરા કર્યા છે.
ઉત્તર પ્રદેશમાં એક મહિના બે મહિના પહેલા જ ચૂંટણી સંપન્ન થઈ છે જેમાં ભાજપને ઐતિહાસિક જીત મળી, આ જીત પાછળ ભાજપ માટે હિન્દુત્વનું ફેક્ટર ખૂબ મોટા પાયે કામ કરી ગયું. સ્વાભાવિક છે કે ઉત્તર પ્રદેશ અને ગુજરાતની પરિસ્થિતિઓની તુલના ન કરી શકાય પરંતુ કટ્ટર હિન્દુત્વ છવિ ભાજપને ફાયદો પહોંચાડે જ છે તે સ્થિતિ તો સ્પષ્ટ જ છે. એવામાં યુનિફોર્મ સિવિલ કોડ ભાજપને ચૂંટણીમાં ફાયદો પણ આપશે ગુજરાત કાર્યકરોમાં પણ એક ઉત્સાહ આવશે.