તારક મહેતા ની ટિમ એ કરી દીધી આવડી મોટી ભૂલ, અંતે ફેન્સ પાસેથી માંગવી પડી માફી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યુ છે. શોમાં સિમ્પલ કોમેડી કરવામાં આવે છે અને લોકો તેને આખા પરિવાર સાથે બેસીને જુએ છે. વર્ષોથી આ શો માત્ર ફેમસ નથી. પરંતુ તેનું દરેક પાત્ર પણ લોકોના દિલમાં વસી ગયું છે. શોના ફની સીન હોય કે પછી ઈમોશનલ ફેન્સ તેને જોયા પછી સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
25 એપ્રિલ સોમવારના રોજ પ્રસારિત થયેલા એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે આખી ગોકુલધામ સોસાયટી ક્લબ હાઉસમાં બેઠી છે અને આ દરમિયાન જૂના જમાનાના ગીતો વગાડવામાં આવ્યા હતા. છેલ્લે દિવંગત ગાયિકા લતા મંગેશકરનું ગીત ‘એ મેરે વતન કે લોગો’ પણ વગાડવામાં આવ્યું હતું.
બધા ગીતો વગાડ્યા પછી, તેના પર ચર્ચા થઈ. આ ગીત વિશે ભિડેએ જણાવ્યું કે આ ગીત વર્ષ 1965માં રિલીઝ થયું હતું અને આ ગીત સાંભળીને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પણ આંખોમાં આંસુ આવી ગયા હતા. હકીકતે આ ગીત 26 જાન્યુઆરી 1963ના રોજ રિલીઝ થયું હતું. એપિસોડમાં વર્ષ ખોટુ દર્શાવવામાં આવ્યું હતું.
દર્શકોએ મેકર્સની આ ભૂલને ઝડપથી પકડી લીધી અને તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. શોના મેકર્સને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેમણે તરત જ માફી માંગી લીધી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓએ ઓફિશિયલ પેજ પરથી એક નિવેદન જાહેર કર્યું અને લખ્યું-
‘આજના એપિસોડમાં અમે ‘એ મેરે વતન કે લોગો’ ગીતની રિલીઝ ડેટ 1965 જણાવી હતી. આ ગીત 26 જાન્યુઆરી 1963ના રોજ રિલીઝ થયું હતું. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. અમે અમારા તમામ દર્શકો અને શુભેચ્છકોની માફી માંગીએ છીએ. અસિત મોદી અને ટીમ.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓની માફી જોઈને સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ તેમના સમર્થનમાં સામે આવ્યા હતા. એક યુઝરે લખ્યું- વાંધો નહીં સર, નાની ભૂલ થઈ જાય છે. અમે હજુ પણ તમને પ્રેમ કરીએ છીએ.