સુરત ગ્રીષ્માં હત્યા કેસ માં આખરે કોર્ટે 69 દિવસ બાદ આપ્યો ચુકાદો, વળી પાછું કોર્ટે ફેનીલ ને પૂછ્યું કે…

0

સુરતના પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા ગ્રીષ્માની હત્યામાં 69 દિવસમાં તેને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. હવે કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે. કોર્ટે ફેનિલને દોષિત ઠેરવ્યા બાદ પૂછ્યું હતું કે તમને મૃત્યુદંડ કેમ ન આપવો?

નિઃસહાય હથિયાર વગરની યુવતીનો મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે? કોર્ટે પૂછેલા પ્રશ્નોના એકપણ વખત ફેનિલે જવાબ ન આપ્યો.

કોર્ટે આગળ કહ્યું હતું કે સજા પહેલાં કોર્ટ સમક્ષ અંતિમ વખત તમે તમારી વાત મૂકી શકો છો. વારંવાર કોર્ટે ફેરવીને કહ્યું કે તમારે અંતિમ કઈ કહેવું હોય તો કહી શકો છો, પરંતુ ફેનિલ એકપણ શબ્દ ન બોલ્યો.

ગત 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી ફેનિલ સામે કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે 16 એપ્રિલ જાહેર કરી હતી.

જોકે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતાં કોર્ટે સુનાવણીની તારીખ 21 એપ્રિલ પર મુલતવી રાખી હતી, જેથી આજે ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે.

સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી, જેમાં હત્યા ઉશ્કેરાટમાં નથી, આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. આરોપીને માર મારવાના બચાવ પક્ષના આક્ષેપનું પણ સરકાર પક્ષે ખંડન કર્યું હતુ. તેણે વધુમાં કહ્યું હતું કે કોઇની દીકરીને કોઇ છેડતી કરે તો તે ઠપકો પણ ન આપે.

હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી. સતત ત્રણ દિવસ દલીલો કરી હતી, જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.

આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલાં નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરુદ્ધનું વાતાવરણ ઊભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.

ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું, જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું.

સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed