સુરતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં સ્થિતિ રઝળી, યુક્રેનથી નીકળી હાડ થીજવતી ઠંડીમાં 48 કલાકથી બોર્ડર પર બેઠાં છે અને ખાવા-પીવાના પણ ઠેકાણા નથી- જુઓ

0

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા સુરતના અનેક વિદ્યાર્થીઓ ત્યાં હજી પણ અટવાયા છે. યુક્રેનમાં રહી શકાય તેવી સ્થિતિ ન હોવાને કારણે તેઓ પોતાના બચાવ કરવા માટે હવે પોલેન્ડ અને રોમાનિયા તરફ જઈ રહ્યા છે પરંતુ ત્યાં પણ તેમની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. આજે વાલીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કલેક્ટરને રજૂઆત કરી છે કે તેમના બાળકોને પરત લાવવા માટે પ્રયત્નો શરૂ કરવા જોઈએ કારણ કે તેમની પાસે કોઇ પ્રકારની વ્યવસ્થા નથી. જેઓ બોર્ડર ઉપર છેલ્લા 48 કલાકથી હાડ થીજવતી ઠંડીમાં બેઠાં છે. કોઈ પૂછવા વાળું નથી સરકારનો કોઈ પ્રતિનિધિ કે ઈન્ડિયન એમ્બેસી તેમની સાથે વાત કરવા તૈયાર નથી.

યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓની સ્થિતિ ખરેખર ખૂબ જ દયનીય થઈ રહી છે. ભલે ત્યાંથી પરત ફરતાં વિદ્યાર્થીઓના સાથે ફોટો પડાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પડાપડી કરી રહ્યા છે પરંતુ હકીકત કંઇક અલગ જ છે. જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે તેમની સાથે ભારતીય દૂતાવાસના અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા નથી.

વાલીઓએ જણાવ્યું કે અમારા બાળકો યુક્રેનથી પોલેન્ડ અને રોમાનિયા તરફ નીકળ્યા હતા. તેમને થોડી રાહત હતી કે અંતે તેમનો બચાવ થઇ જશે અને તેઓ સરળતાથી ભારત ફરી જશે. પરંતુ હાલની સ્થિતિ જોતાં તેઓ વધુ કપરી સ્થિતીમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ છેલ્લા 48 કલાકથી બોર્ડર ઉપર ખુલ્લામાં બેઠા છે. છતાં પણ કોઈ અધિકારી તેમને કોઈ મદદ પહોંચાડી રહ્યા નથી. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને દર્શના જરદોશને વિનંતી કરીએ છીએ કે જે ફ્લાઈટ એર ઇન્ડિયાની મોકલવામાં આવી રહી છે તેની સંખ્યા વધારવામાં આવે. જેથી કરીને બાળકોને ઝડપથી લાવવામાં આવી શકે.

કારણ કે એર ઇન્ડિયાની ફ્લાઇટ જઈ રહી છે તેનામાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓને પરત લાવી શકાય છે. ત્યાં હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. માત્ર સુરતના ગુજરાતના જ નહીં પરંતુ અલગ અલગ રાજ્યના હજારો વિદ્યાર્થીઓ ત્યાં અટવાયા છે તેમને તમામને ઝડપથી લાવવા જોઈએ.

ભાજપના કોર્પોરેટર કૃણાલ સેલર પોતે પણ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જહાંગીરપુરાના વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાયા છે. તેમની પાસે કોઇ જ સુવિધાઓ નથી. મોબાઈલ ઉપર તેમના માતા-પિતા સાથે પણ સંપર્ક થઇ શકતો નથી અને જેના કારણે વાલીઓમાં ચિંતા વધુ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed