રૂપિયા નહીં અહીં ડોલરથી કરાયો માતાજીનો શણગાર- જુઓ અહીં

0

ગાંધીનગરના રૂપાલ ગામે આવેલા વિશ્વ પ્રસિદ્ધ વરદાયિની માતાને આજે 1500 ડોલરનો શણગાર કરવામાં આવ્યો હતો. અમેરિકાથી એક શ્રદ્ધાળુ દ્વારા ડોલર મોકલી આપવામાં આવતા આજે માતાજીને ડોલરનો શણગાર કરવામાં આવ્યો હતો.

જેના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વરદાયિની માતાના મંદિરનો 50 કરોડના ખર્ચ સોમનાથ અને અંબાજી મંદિરની જેમ વિકાસ કરવાની યોજના તરતી મૂકવામાં આવી છે.

દેશ-દુનિયામાં જેટલા પ્રખ્યાત ગુજરાતના ગરબા છે તેટલી જ પ્રખ્યાત રૂપાલની પલ્લી છે. રૂપાલ ગામે માં વરદાયિની પ્રત્યેની ભક્તિ અને આસ્થાને દર્શાવવા ભરવામા આવતી પલ્લીનો ઇતિહાસ સદીઓ પુરાણો છે. જેની સાથે ઘણી રસપ્રદ ગાથાઓ જોડાયેલી છે.

જિલ્લાના રૂપાલ ગામે મા વરદાયિનીની પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે છૂપાવ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી.

જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી.

આ પછી હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કૃષ્ણ સાથે પાંડવો ફરી અહીં આવ્યા હતા. જે બાદ સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી. આ સમયથી એટલે કે પાંચ હજાર વર્ષથી રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીનો મેળો પ્રતિ વર્ષ નવરાત્રી પર્વના નવમાં નોરતે યોજાય છે.

સદીઓથી અહીં દર વર્ષે માતાજીની પલ્લી નીકળતી હોય છે. જેમાં લાખો લીટર ઘી નો અભિષેક કરવામાં આવે છે. આ અદ્ભુત ઐતિહાસીક નજારો જોવા દેશ વિદેશથી શ્રદ્ધાળુ આવીને દર્શનનો લાભ લેતા હોય છે. માતાજીની પલ્લી આખા ગામમાં ફરે છે અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. પૂનમનાં રોજ માતાજીને વિશેષ શણગાર કરવામાં આવે છે.

આ અંગે મંદિરના આગેવાન અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, આજે પૂનમ નિમિત્તે માતાજીને 1500 ડોલરનો શણગાર કરવામાં આવ્યો છે. કોઈ શ્રદ્ધાળુએ ડોલર મોકલી આપ્યા હતા. દર વર્ષે અલગ અલગ શણગાર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે માતાજીને ડોલરથી શણગારવા આવ્યાં છે. આ અદ્ભુત ક્ષણનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed