ગુજરાતમાં આજથી પાંચ દિવસ રહેશે વરસાદી વાતાવરણ, જાણો ક્યાં પડી શકે છે માવઠું

0

રાજ્યમાં આજથી માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાનના કરાંચી વાયા થઇ ગુજરાત તરફ આ વરસાદીવાતાવરણ ફેલાશે.

હવામાન વિભાગે રાજ્યમાં આજથી એટલે કે, 5થી 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે.

આગાહી પ્રમાણે, આ તારીખો દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાપટાંની શક્યતા છે. માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું આરીમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કમોસમી વરસાદના કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે અને માવઠું થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.

6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવું અનુમાન છે.

5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડીગ્રી ગગડવાની શક્યતાઓ છે. આ સાથે, અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. તો લઘુતમ તાપમાન પણ વધતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે.

કમોસમી વરસાદને કારણે, ઉત્પાદન થયેલા પાક અને વાવેતર કરાયેલા ઘઉં, ચણા, જીરૂ સહિત રવિ પાકને નુકસાન થવાનો ભય છે. આ અંગે ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતુ કે, આગામી દિવસોમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોને ઉભા પાક તેમજ ઉત્પાદિત ખેત પેદાશના રક્ષણ માટે જરૂરી કાળજી લેવાની જરૂર છે.

આથી ખેડૂતોએ પોતાના પાકેલા પાક એટલે કે, ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાળપત્રી ઢાંકીને રાખવી, એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત પેદાશોને ઢાંકીને લઈ જવી, શક્ય હોય તો હવામાન વિભાગની આગાહી હોવાથી તેવા સમય દરમિયાન ખેત પેદાશ વેચવાનું ટાળવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed