સૌરાષ્ટ્રના ખેડૂતો છવાયા, ખેતી કરવાની આ 40 વર્ષ જૂની ટેકનીક આવી સામે, 100 ટકા પોષકતત્વો મળવાનો દાવો

0

રાજકોટના એક ખાનગી સ્કૂલના શિક્ષકે નોકરી છોડી હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી માત્ર પાણીથી શાકભાજી અને ફળનું મબલખ ઉત્પાદન કરી આત્મનિર્ભર બન્યા છે. તેમણે જંતુનાશક દવાના નુકસાન અંગેનો આર્ટિકલ વાંચ્યો અને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી શાકભાજી ઉગાડવાનો વિચાર આવ્યો, ખેડૂતે અગાશી ઉપર જ મોટી જગ્યામાં આ ટેક્નોલોજી ઊભી કરી મબલખ ઉત્પાદન કરી રહ્યા છે.લોકો પણ આ હાઈડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરી અગાસી ઉપર જગ્યા પ્રમાણે શાકભાજી અને ફળ ઉગાડી શકે છે.

હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી વાવેતર કરવાથી જંતુનાશક દવાથી થતા કેન્સરનું જોખમ પણ રહેતું નથી. પોષકતત્ત્વો પણ વધારે મળે છે. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ નવી નથી, પણ 40 વર્ષ જૂની છે. હાઇડ્રોપોનિક્સ ટેક્નોલોજીની મદદથી ઘરઆંગણે જ ટમેટાં, રીંગણા, સ્ટ્રોબેરી, કેપ્સિકમ મરચાં, કારેલા, દૂધી, કાકડી, ફુદીનો, પાલક સહિતના અનેક શાકભાજી અને ફળનું વાવેતર કર્યું છે.હાઇડ્રોપોનિક્સ મૂળ ગ્રીક શબ્દ છે, જેમાં હાઇડ્રો એટલે પાણી અને પોનિક્સ એટલે શ્રમ થાય છે, એટલે કે ફળ, ફૂલ અને શાકભાજી જમીનને બદલે પાણીમાં ઉગાડવાને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ જમીન કરતાં માત્ર 10 ટકા પાણીની જરૂરિયાત રહે છે.

ખાસ પ્રકારની પાઇપલાઇનથી સેટઅપ તૈયાર કર્યા બાદ એની જાળવણી માટે માત્ર પોષકતત્ત્વો અને પ્લાન્ટનો નહિવત ખર્ચ થાય છે. આ પ્લાન્ટ ઘરની બાલ્કની અથવા તો અગાસીમાં કરી શકાય છે. આ પદ્ધતિનો ઇઝરાયલ, જર્મની, અમેરિકા અને ચીનમાં ઉપયોગ થઇ રહ્યો છે.રસિકભાઇએ જણાવ્યું હતું કે મારી શાકભાજીનો ભાવ કિલોના 150 રૂપિયા છે. રોજના 200 ગ્રાહકો રેગ્યુલર છે, જેઓ મારી પાસેથી જ શાકભાજી ખરીદે છે, સાથોસાથ મે 6 લોકોને પગાર પર રાખ્યા છે અને તેને પણ રોજગારી પૂરી પાડી રહ્યો છું.

2035 સુધીમાં 15 હજાર લોકોને રોજગારી આપવાનો મારો લક્ષ્યાંક છે. હું મારા પ્લાન્ટ પર આવનાર દરેક લોકોને ફ્રીમાં માર્ગદર્શન આપું છું અને લોકોને આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કરું છું. મારી આ ખેતીમાં મારો પરિવારનો પણ મને ખૂબ જ સહયોગ મળી રહે છે.રસિકભાઇએ ખેતીની જમીન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે એક તરફ શહેરી વિસ્તારોમાં ખેતરની જમીન બિનખેતી થઇ રહી છે. વળી, શહેરી વિસ્તારોમાં પોષકતત્ત્વોવાળું અને બિયારણના વપરાશ વગરની ઓર્ગેનિક શાકભાજી અને ફળ મળવા મુશ્કેલ હોય છે.

ત્યારે આ પદ્ધતિ અપનાવવામાં આવે તો ઓછા ખર્ચે, ઓછી જગ્યામાં અને ઓર્ગેનિક શાકભાજી મળી રહે છે. રસિકભાઇએ પોતાના ઘરેથી અપનાવેલી ખેતીની આ પરંપરા અન્ય ખેડૂતો અને શહેરી વિસ્તારોના રહિશો માટે નવો રાહ ચીંધનાર છે.રસિકભાઇ પોતાને આ પદ્ધતિથી ખેતી કરવાનો કેવી રીતે વિચાર આવ્યો એ અંગે જણાવે છે કે મેં એક વખત ડીડીટી (જંતુનાશક દવા)નો પેપરમાં આર્ટિકલ વાંચ્યો હતો, જેમાં લખ્યું હતું કે મગફળીનાં બિયારણ બગડે નહીં એ માટે ડીડીટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં મગફળીના ફોતરા ગાયને ખવડાવવાથી એની અસર ગાયના બ્લડ અને દૂધમાં જોવા મળી હતી. આ દૂધ એક બાળકે પીતાં તેને કેન્સર થયું હતું.

બાદમાં મેં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર વગર કેવી રીતે શાકભાજી અને અન્ય પાકો લઇ શકાય એના વિશે સંશોધન ચાલુ કર્યું, જેમાં હાઇડ્રોપોનિક્સ વિશે મેં માહિતી મેળવી અને બસ પછી એમાં કામ આગળ વધાર્યું અને મને સફળતા મળી.રસિકભાઇએ જણાવ્યું હતું કે માટીની અંદર શાકભાજી ઊગે છે એનાથી અનેક રોગ ફેલાય છે, જ્યારે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી શાકભાજી ઉગાડવામાં આવે તો એકપણ રોગ થતો નથી તેમજ પૂરતાં પોષકતત્ત્વો પણ મળી રહે છે.

હાલ હું એક એવા બેક્ટેરિયાનું સંશોધન કરી રહ્યો છું કે ટમેટાંમાં રોગ આવ્યાના 24 કલાક પહેલાં અલર્ટ મળી જાય. કૃષિને ઝડપથી આગળ લઇ જવાનું મારું સપનું છે. ગાયનો ઘાસચારો એક કિલોમાંથી 10 કિલો ઉત્પાદન થાય છે, એમાં 10 ગણા પ્રોટીન વિટામિન હોય છે. શાકભાજીમાં બાળકોને કેલ્શિયમની ખામી ન આવે તે પ્રકારે આ પદ્ધતિમાં પોષક તત્વ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed