દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પાછલા અમુક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. હવે ધીમે ધીમે મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે.
ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 16મી જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 12થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.
જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં આ પાંચેય દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.અમરેલી જિલ્લામાં ગુરુવારે મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા. જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, લાઠી, ખાંભા, ચલાલામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સાવરકુંડલાના આંબરડીમાં ધોધમાર વરસાદ વરસાદ ગામની બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ધસમસતા પાણીના પ્રવાહમાં 1 મિનિ ટ્રેક્ટર, 4 બાઈક અને પશુઓ પણ તણાતા દેખાયા હતા.હવમાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.