વિજતારમાં ફસાયેલ પક્ષીનો જીવ બચાવવા જતા યુવકને લાગ્યો કરંટ, ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી,અરવલ્લી જિલ્લાના માલપુર ગામના બજારમાં આજે બપોરના સાડાવાર વાગ્યાના અરસામાં વીજળીના થાંભલામાં ફસાઈને તરફડિયાં મારતા કબૂતરનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડેલા શ્રમજીવી યુવાન વીજકરંટ લાગવાથી જમીન પર પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બનાવના પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આજે માલપુરના બજારમાં આવેલા વીજ થાંભલામાં કબૂતર ફસાઈ ગયું હતું. લોકોની અવરજવર થઈ રહી હતી અને ઘણા લોકો થાંભલામાં ફસાયેલા કબૂતરને જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ કબૂતરને બચાવવાની પહેલ કરી ન હતી.
ત્યારે કબૂતરને કાઢવા માટે લાંબી લાકડી ન મળતાં દિલીપ ભાઈએ લોખંડની પાઈપ આગળ લાકડાનો ડંડો બાંધી દીધો હતો અને થાંભલા પર ચડવાની શરૂઆત કરી હતી. એ દરમિયાન દિલીપભાઈ સામે બજારમાં કોઈએ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ એક જાગ્રત નાગરિક દિલીપભાઈની દરેક ગતિવિધિનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી રહ્યો હતો.દિલીપભાઈ વીજ થાંભલા પર ચડીને ડંડા વડે વીજ તારમાંથી બચવા માટે તરફડિયાં મારતા કબૂતરને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ દરમિયાન ડંડો તારને અડી ગયો હતો અને અચાનક જ ધડાકાભેર સ્પાર્ક સાથે વીજળીનો ઝાટકો દિલીપભાઈને લાગ્યો હતો,
જેને કારણે દિલીપભાઈ છેક ઊંચાઈ પરથી જમીન નીચે પટકાયા હતા જેને કારણે તેમને માથામાં ગંભીર ઈજાઓ થતાં પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. ઘડી ભરમાં થાંભલા પર ચડેલા દિલીપભાઈ જમીન પર પટકાતાં આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના માલપુર ગામે રહેતા આશરે 35 વર્ષીય દિલીપભાઈ વાઘેલાના પરિવારમાં પત્ની રેખાબેન તેમજ બે પુત્ર પવન અને બોબી તેમજ પુત્રી તુલસી છે.