રેલવે ટ્રેક પર ફસાયેલું બાઈક કાઢતી સમયે જ ટ્રેન આવી જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અંતિમક્ષણોમાં યુવક ટ્રેક પરથી દૂર થતા તેનો જીવ બચ્યો હતો. તો બીજી તરફ મોટર સાયકલના ભુક્કા નીકળી ગયા હતા.જે સ્થળે બનાવ બન્યો તેની નજીક કોઈ સ્ટેશન કે ક્રોસિંગ ના હોવાથી સ્વભાવિક રીતે ટ્રેનની સ્પીડ વધુ જ હોય. હરિયા કોલેજ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન પુરપાટ ઝડપે આવી રહી હતી.
તો બીજી તરફ રેલવે ક્રોસિંગ વગર જ રેલવે ટ્રેક પસાર કરતી સમયે બાઈક ફસાતા યુવક તેનું બાઈક સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
ટ્રેનનો ચાલક દૂરથી જ વ્હીસલ લગાવી રહ્યો હતો તેમ છતા યુવક પોતાનું બાઈક કાઢવામા મશગૂલ હતો. સ્વભાવિક છે કે, હાથ ઊંચો કરીને બસ રોકાય તેમ ટ્રેન ના રોકાય તેમ છતા યુવક ટ્રેનના ચાલકને હાથ ઊંચો કરી ટ્રેન રોકવાનો ઈશારા કરતો જોવા મળી રહ્યો છે.યુવકે હાથ ઊંચો કરી ટ્રેન રોકવાનો પ્રયાસ તો કર્યો. પરંતુ, ટ્રેન આગળ ધસી આવતા અંતિમક્ષણોમાં યુવક ટ્રેકની બાજુમાં કૂદકો મારી જતો રહ્યો હતો. જેના કારણે તેનો બચાવ થયો હતો.