કોરોનાની આ બિમારીએ ઘણા બાળકોને નિરાધાર બનાવ્યા છે. તેમના માથેથી હંમેશા માટે માતાપિતાનો આશરો છીનવાઈ ગયો છે. કલ્પના પણ ન કરી શકાય એવી પરિસ્થિતિમાં આ બાળકો મુકાઈ ગયા છે. તેવામાં સુરતની શાળાઓએ પણ આગળ આવીને આ બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો છે.બાળક ભણે ત્યાં સુધી તેમના અભ્યાસનો ખર્ચ શાળા દ્વારા ઉઠાવવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના આ સમયમાં સુરતના એક ટેકસટાઈલ વેપારી પણ આગળ આવ્યા છે.
ટેકસટાઈલ બિઝનેસ સાથે જોડાયેલા વેપારી સમ્રાટ પાટીલે તેમનો 41મો જન્મદિવસ આવા નિરાધાર થયેલા બાળકો સાથે ઉજવવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના જન્મદિવસે 21 બાળકોને દત્તક લીધા હતા. જે વિદ્યાર્થીઓએ માતા કે પિતા અથવા માતાપિતા બંનેની છત્રછાયા ગુમાવી છે તેવા 21 વિદ્યાર્થીઓને તેમણે દત્તક લીધા છે.આવા વિદ્યાર્થીઓની જે શાળાએ ફી માફી નથી કરી અથવા આંશિક ફી માફી કરી છે તેવા બાળકોને દત્તક લઈને તેમની વ્હારે આવ્યા છે. ઓનલાઈન એજ્યુકેશન માટે વિદ્યાર્થીઓને ઘણીવાર ઈન્ટરનેટ રિચાર્જ કરવાની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન આ પ્રયાસ થકી કરવામાં આવ્યો છે.
સમ્રાટ પાટીલે જણાવ્યું હતું કે તેઓ ગરીબીમાંથી પસાર થઈને આજે આ લેવલ પર પહોંચ્યા છે પણ તેઓ જાણે છે કે માતાપિતા વગર સંતાનનું જીવન કેટલું મુશ્કેલ થઈ જાય છે.એટલા માટે કોરોનામાં નિરાધાર થયેલા બાળકો માટે તેમણે આ નાનકડો પ્રયત્ન કર્યો છે. સહાય મેળવનાર વૈશાલીબેને કહ્યું હતું કે કોરોનામાં તેમના પતિનું મોત થયું છે.