ગુજરાતનું ગૌરવ – ડ્રાઇવરના પુત્રએ કર્યું આ મોટું કામ – જાણો વિગતવાર

0

દેશની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A)માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટરના ડ્રાઈવર પંકજ સિંઘના 24 વર્ષીય પુત્ર હિતેશ સિંઘે કેટની પરીક્ષામાં 96.12 પર્સન્ટાઇલ સાથે પ્રવેશ મેળવ્યો હતો.

હાલમાં જ આઈઆઈએમમાં યોજાયેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં તેણે ગુરુગ્રામસ્થિત કન્ટ્રી ડિલાઇટ તરફથી એસોસિયેટ મેનેજર, ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેની ઓફર સ્વીકારી છે. આમ, ડેરી ક્ષેત્રમાં કામ કરતા હિતેશ સિંઘના પિતા પંકજ સિંઘ અને માતા સરિતાબહેનનાં સપનાંને સાકાર કરવા મેળવેલી સફળતા બીજા યુવાનો માટે પણ પ્રેરણાદાયી છે.આ અંગે આણંદમાં રહેતા 24 વર્ષીય હિતેશ સિંઘ જણાવે છે, મારા પિતા પંકજ સિંઘ ગુજરાત કો-ઓપેરટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ., અમૂલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આર. એસ. સોઢીના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે,

જ્યારે મારી માતા સરિતાબહેન ગૃહિણી છે. તે બંનેએ એસએસસી સુધીનો જ અભ્યાસ કર્યો છે, પરંતુ અમે ઉચ્ચ શિક્ષણ મેળવી શકીએ એ માટે તેમણે રાત-દિવસ મહેનત કરીને અમને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમની કેળવણી અને સતત પ્રોત્સાહનના કારણે જ હું આજે અહીં પહોંચી શક્યો છું.

આઈઆઈએમમાં યોજાયેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં મને પાંચથી છ કંપનીની ઓફર હતી. જોકે મેં દરેક કંપનીએ આપેલી ઓફર અને ત્યાં મારી શું જવાબદારી રહેશે એનો પૂરતો અભ્યાસ કર્યો અને બાદમાં ગુરુગ્રામની કન્ટ્રી ડિલાઇટ ડેરીમાં ઈન્ટરવ્યુ આપ્યો. ત્યાં મારું સિલેક્શન પણ થઈ ગયું. કન્ટ્રી ડિલાઈટ તરફથી મને ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં એસોસિયેટ મેનેજર તરીકેની જવાબદારી સોંપાઈ છે.

હિતેશ સિંઘ કહે છે, આ કંપનીમાં મને નવી પ્રોડક્ટ ડેવલપ કરવાથી લઈને તમામ પ્રકારનો અનુભવ મળી રહેશે. મેં શરૂઆતથી જ ડેરીક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું હતું. મેં ગ્રેજ્યુએશન પણ ડેરી સાયન્સમાં કર્યું હતું. એમબીએ પણ ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટમાં કર્યું. હવે ડેરીક્ષેત્રમાં કારકિર્દી બનાવીને નવા આયામો સર કરવાની મારી ઈચ્છા છે. જીવનમાં લક્ષ્ય નક્કી હોવું જોઇએ અને તેના માટે ધગશથી મહેનત કરીને સફળતા અચૂક મેળવી શકાય છે.

જીસીએમએમએફના એમ.ડી. આર. એસ. સોઢીએ કહ્યું કે, હિતેશ હોશિયાર વિદ્યાર્થી છે. એક સામાન્ય પરિવારનો કોઈ વિદ્યાર્થી આવી પ્રતિષ્ઠિત સંસ્થામાં પોતાની મહેનતથી એડમિશન મેળવે તે ગૌરવની વાત છે. હું અને મારા સહકર્મીઓ તેને કારકિર્દી વિશે વધુ માર્ગદર્શન આપીને મદદરૂપ થતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed