મ્યુકોરમાઈકોસિસને સરકાર દ્વારા મહામારી જાહેર કરાઈ છે. માત્ર ગુજરાત જ નહિ, અન્ય રાજ્યોમાં પણ ચિંતાજનક રીતે તેના કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં પણ આ મહામારી જાહેર કરાઈ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યો છે. માત્ર રાજકોટમાં જ મ્યુકોરમાઇકોસીસના કેસનો આકડો 650 પર પહોંચ્યો છે.
સૌરાષ્ટ્રમાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસ મોટી મહામારી બનીને ઉભરી રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના કેસનો આકડો 650 પર પહોંચ્યો છે. જેમાં 450 સિવિલ હોસ્પિટલમાં, જ્યારે કે 200 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. રાજકોટ બાદ જામનગર
સૌથી વધુ કેસ નોંધાયા છે. જામનગરમાં 94 મ્યુકોરમાઇકોસીસના કેસ નોંધાયા છે.
રાજકોટમાં પરિસ્થિતિ એવી થઈ રહી છે કે, સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતા મ્યુકોરમાયકોસિસના દર્દી વધી રહ્યાં છે. આવામાં મેનેજમેન્ટ બહુ જ ચેલેન્જિંગભર્યુ બની રહ્યું છે. જેથી સમય જતાં સ્થિતિ કફોડી બની રહી છે. તેથી 1000 બેડની સમરસ હોસ્પિટલને મ્યુકોરમાયકોસિસ હોસ્પિટલ બનાવવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.
હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 407 દર્દી છે, જ્યારે કે મ્યુકોરમાયકોસિસના 450 દર્દીઓ દાખલ છે. રિયલ પરિસ્થિતિ પર નજર કરીએ તો, ગુજરાતના 4 મોટાં શહેરોની સિવિલમાં જ અંદાજે 1200થી વધુ મ્યુકોરમાઈકોસિસ કેસ છે. તેમજ દૈનિક 20થી 25 લોકોની સર્જરી કરી શરીરના કેટલાક ભાગ કાઢી નાખવામાં આવે છે.